ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર.
કૉર્પોરેશનમાં નગરસેવકપદે હોવા છતાં અનેક નેતાઓ વિધાનસભા અને સાંસદની ચૂંટણી લડીને જીતી જતા હોય છે. સ્થાનિક સ્તરે પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માટે મોટાં પદ હાથ લાગ્યા બાદ પણ તેઓ પોતાનું નગરસેવકપદ છોડવાને બદલે ચાલુ જ રાખતા હોય છે. સામાન્ય રીતે વિધાનસભામાં કે સાંસદમાં ચૂંટાયા બાદ મોટા ભાગે નેતાઓ નગરસેવકપદનું માનધન મેળવતા નથી. પરંતુ મુંબઈના ત્રણ મહાન નગરસેવકો વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા બાદ પણ હજી પણ નગરસેવકપદનું માનધન મેળવી રહ્યા હોવાની માહિતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI)માં બહાર આવી છે. આ નેતાઓમાં વિધાનસભ્ય પરાગ શાહ, રઈસ શેખ અને દિલીપ લાંડેનો સમાવેશ થાય છે.
RTI ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીને મુંબઈ મહાનગરપાલિકાના સેક્રેટરિયલ વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ ત્રણ નગરસેવકો વિધાનસભ્ય બન્યા બાદ પણ નગરસેવકપદને મળતો પગાર સહિતનાં ભથ્થાં મેળવી રહ્યા છે. એમ તો એવો કોઈ નિયમ નથી કે વિધાનસભ્ય કે સાંસદ બન્યા બાદ નગરસેવકપદનું માનધન તે વ્યક્તિ સ્વીકારી ન શકે, પરંતુ નૈતિક જવાબદારી રૂપે અનેક નેતોઓ નગરસેવકપદનું માનધન સ્વીકારતા નથી. જોકે આ નગરસેવકો એવા છે કે તેઓ વિધાનસભામાં પહોંચી ગયા છતાં તેમનો નગરસેવકપદ પ્રત્યેનો મોહ છૂટી નથી રહ્યો.
ભાજપનાં વર્ષોથી મુલુંડના નગરસેવક રહેલા મનોજ કોટક હવે ઈશાન મુંબઈના સાંસદ છે. તેઓએ સાંસદપદે ચૂંટાવાની સાથે જ નગરસેવકપદનું માનધન અને ભથ્થાં લેવાનું બંધ કરી દીધું, તો શિવસેનામાંથી વિધાસભ્યની ચૂંટણી લડીને જીતેલા નગરસેવક રમેશ કોરગાંવકર પણ નગરસેવકપદનું માનધન લેતા નથી. જોકે ભિવંડીથી વિધાનસભ્ય બનેલા રઈસ શેખ, ઘાટકોપર (ઈસ્ટ)માંથી ચૂંટાયેલા પરાગ શાહ અને કુર્લાથી વિધાનસભ્ય બનેલા દિલીપ લાંડે હજી પણ દર મહિને 25,000નો પગાર અને સમિતિની બેઠક માટે 150 રૂપિયાનું ભથ્થું સ્વીકારે છે.
અનિલ ગલગલીના કહેવા મુજબ નગરસેવક, વિધાનસભ્ય અથવા સાંસદના પદે ચૂંટાઈ આવે તો રાજકીય પાર્ટીએ તેમના નગરસેવકપદ પરથી રાજીનામાં લઈ લેવાં જોઈએ. પરંતુ કમનસીબે કોઈ પણ રાજકીય પક્ષ એવો નિર્ણય લેતી નથી. કમસે કમ તેઓ આ લોકોને પોતાના નગરસેવકપદનો પગાર સહિતનાં ભથ્થાં ન લેવાની સલાહ તો આપી શકે છે.