ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર.
દેશ ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે હવે મુંબઈ ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે. પોલીસ પણ હવે pos મશીન દ્વારા ઓનલાઇન ટ્રાફિક દંડ વસુલે છે. જેને લઈને હવે દંડ ભરવામાં આનાકાની કે બહાના ઓછા થઈ ગયા છે. પરંતુ ટ્રાફિક પોલીસની આ ઓનલાઈન ફાઈન સિસ્ટમ ઘણીવાર કેટલાક લોકો માટે માથાનો દુખાવો બની જતી હોય છે. તેનું તાજેતરનું ઉદાહરણ કલ્યાણ શહેરમાં જોવા મળ્યુ છે. અહીં ટ્રાફિક પોલીસે ઓટો ડ્રાઈવરને હેલ્મેટ ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
વાત જાણે એમ છે કે, ગત વર્ષના 3 ડિસેમ્બર ના રોજ, મુંબઈના કાંદિવલી વિસ્તારમાં, એક ટુ-વ્હીલર ચાલક હેલ્મેટ વિના મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસે તેનો ફોટો લીધો હતો. પરંતુ ચલણ ઓટો રિક્ષા ચાલક ગુરુનાથ ચિકંકરના નામે આવ્યું. ચલનમાં ફોટો ટુ વ્હીલર ચાલકનો છે, પરંતુ ઓટોનો નંબર, નામ અને મોબાઈલ નંબર ગુરુનાથનો છે.
રિક્ષાચાલક ગુરુનાથને જ્યારે તેના મોબાઇલ ફોન પર દંડની જાણ થઈ ત્યારે તે ચોંકી ગયો. જ્યારે તેણે કલ્યાણ ટ્રાફિક પોલીસને આ બાબતે પૂછ્યું તો તેને થાણે જવાનું કહેવામાં આવ્યું. તેની પર રિક્ષા ચાલકનું કહેવું છે કે જ્યારે મારી ભૂલ નથી તો હું કામ બંધ કરીને મુંબઈ અને થાણે પરિવહન વિભાગના ચક્કર કેમ લગાવું? ટ્રાફિક પોલીસે પોતાની ભૂલ સુધારવાની જરૂર છે.
રિક્ષા ચાલક ગુરુનાથે આ મામલામાં તેને આપવામાં આવેલ દંડ અને નોટિસ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. સાથે જ કહ્યું છે કે શું ઈ-ચલાન સિસ્ટમમાં કામ કરતી ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને જ દંડ કરે છે? આ માહિતીની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ અને સંબંધિતોના મોબાઈલ પર દંડ મોકલવો જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે કલ્યાણમાં ઈ-ચલણની વ્યવસ્થા હાલમાં જ શરૂ કરવામાં આવી છે. તેના કારણે ઘણી ખામીઓ સામે આવી રહી છે.