ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
દક્ષિણ મુંબઈમાં 10 લાખથી વધુ ગ્રાહકોને બેસ્ટ ઉપક્રમ વીજ પુરવઠો પૂરો પાડે છે. બેસ્ટ ઉપક્રમે પોતાના વીજ ગ્રાહકો સમયસર વીજળીના બિલ ભરે તે માટે અનેક ઉપાયયોજના અમલમાં મૂકતી હોય છે. જે હેઠળ હાલમાં તેણે સમયસર ઓનલાઈન વીજળીના બિલ ભરનારા ગ્રાહકોને ઈલેક્ટ્રિક ઉપકરણો ભેટ આપ્યા હતા. બેસ્ટે ઓનલાઈન બિલ ભરનારા ગ્રાહકો માટે લોટરી રાખી હતી, જેમાં વિજેતા બનેલા ગ્રાહકોને ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ ફોન તથા મિકસર જેવા ઉપકરણો ભેટરૂપે આપ્યા હતા.
બેસ્ટ દક્ષિણ મુંબઈમાં કોલાબા, કફ પરેડથી સાયન અને ચર્ચગેટથી માહિમ સુધીના વિસ્તારમાં વીજ પુરવઠો કરે છે. બેસ્ટના લગભગ 10,70,000 ગ્રાહકો છે. તેમાંથી 6 લાખ ગ્રાહકો વીજળીના બિલ ઓનલાઈન ભરે છે. ગ્રાહકો સમયસર અને ઓનલાઈન વીજળીના બિલ ભરે તે માટે તેમને પ્રોત્સાહન આપવા માટે લકી ડ્રો રાખવામાં આવ્યો હોવાનું બેસ્ટ પ્રશાસને જણાવ્યું હતું. દિવસે ને દિવસે ઓનલાઈન વીજળીનું બિલ ભરનારાઓની સંખ્યા વધી રહી છે. તેથી વધુને વધુ લોકો સમયસર બિલ ભરે તે માટે બેસ્ટ દ્વારા નવી નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવતી હોય છે.
અહીં ઉલ્લેખનીય છે બેસ્ટ શહેરમાં વીજ પુરવઠો કરવાની સાથે જ બસો દોડાવે છે. જેમાં ઈલેક્ટ્રિસીટી ડિપાર્ટમેન્ટ પ્રોફીટ કરનારું છે. પરંતુ બેસ્ટનું ટ્રાન્સપોર્ટ ખાતુ લોસમાં છે. બેસ્ટ વ્યહાર ઈલેક્રિટસીટી ખાતાના પ્રોફીટ પર જ ચાલતો હોવાનું કહેવાય છે. તેથી ગ્રાહકો સમયસર વીજળીના બિલ ભરે તે બેસ્ટ ઉપક્રમ માટે પણ રાહતજનક છે.