ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6, સપ્ટેમ્બર, 2021
સોમવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવાં સંગઠનોની વિચારધારા તાલિબાન જેવી છે. આવા વિવાદાસ્પદ વિધાન કરનારા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર બરોબરના ફસાયા છે. વિવાદાસ્પદ નિવેદન માટે તેઓ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી તેમની કોઈ ફિલ્મ ચાલવા નહીં દેવાની ભાજપે ધમકી આપી છે. ભાજપના કાર્યકર્તા જાવેદ અખ્તરના ઘરની બહાર સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં કાર્યકર્તાઓ પોલીસની સામે થઈ ગયા હતા.
જાવેદ અખ્તર પોતાનાં વિધાન પાછાં ખેંચીને માફી નહીં માગે ત્યાં સુધી તેમની અને તેમના પરિવારની કોઈ ફિલ્મ દેખાડવા દેવાશે નહીં એવી ચોખ્ખા શબ્દોમાં ભાજપના નેતા રામ કદમે ચેતવણી પણ આપી છે. ઘાટકોપરમાં જાવેદ અખ્તરનું પૂતળુ બાળવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હાલમાં જ જાવેદ અખ્તરે એક ન્યુઝ પૉર્ટલને એક ઇન્ટવ્યૂ આપ્યો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે તાલિબાન જંગલી છે, તેમની હરકતો નિંદનીય છે પણ RSS, વિહિપ અને બજરંગ દળને સમર્થન કરનારાઓ તમામ લોકો એક સમાન છે. તેમના આ ઇન્ટરવ્યૂ બાદ ભાજપ જોકે ગિન્નાયો હતો. જાવેદે પોતાનું નિવેદન પાછું ખેંચીને માફી નહીં માગી તો તેમના વિરુદ્ધનું ભાજપનું આંદોલન વધુ તીવ્ર બનાવાશે એવી ચીમકી પણ ભાજપ નેતા રામ કદમે આપી હતી.