ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
મુંબઈ મહાનગરપાલિકાના ૨૨૭ વોર્ડની પુનર્રચના કરીને તેની સંખ્યા હવે ૨૩૬ કરી નાખવામાં આવી છે. વોર્ડની ફેરરચનામાં ૨૨૭ વોર્ડમાંથી ૧૪૮ વોર્ડની હદ બદલાઈ ગઈ છે. જયારે ૧૬૯ વોર્ડના અમુક વિસ્તાર અન્ય વોર્ડ સાથે જોડી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે.
મહારાષ્ટ્ર કેબિનેટે મુંબઈ મહાનગરપાલિકાના ૨૨૭ વોર્ડમાં નવ વોર્ડ વધારીને તેની સંખ્યા ૨૩૬ કરી નાખી છે. ૨૩૬ વોર્ડનો સુધારિત ડ્રાફ્ટને ચૂંટણી પંચે માન્યતા આપી હતી. એ બાદ પાલિકાએ તેના પર લોકો પાસેથી સજેશન-ઓબ્જેકશન મગાવ્યા હતા. સોમવારે ૧૪ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે ૮૧૨ સજેશન-ઑબ્જેકશન આવ્યા હતા.
મુંબઈના વોર્ડની પુનર્રચનાને કારણે તમામ પક્ષના નગરસેવકોના જૂના વોર્ડમાં ફેરફાર થયો છે. અમુક રાજકીય પક્ષના ફાયદા માટે વોર્ડનું વિભાજન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ભાજપે કર્યો હતો. મતદાનની ટકાવારી ઓછી થશે એવો ડર પણ ભાજપે વ્યક્ત કર્યો છે.
ભાજપે વોર્ડની પુનર્રચનાને લઈને અનેક આરોપ કર્યા છે. ચૂંટણી પંચના માર્ગદર્શક તત્વ મુજબ વોર્ડની રચના ઉત્તર તરફથી ઈશાનમાં અને પૂર્વ તરફથી પશ્ચિમમાં અને છેવટના તબક્કામાં દક્ષિણ તરફ કરવું આવશ્યક હતું. પરંતુ મુંબઈમાં ઉત્તર દિશામાંથી વોર્ડની રચના કરવામાં આવી છે. વોર્ડની રચના કરતા સમયે મુખ્ય રસ્તા, રેલવે માર્ગ, નાળા વગેરેનો વિચાર કરવો જોઈતો હતો. પરંતુ પ્રત્યક્ષમાં અમુક વોર્ડ પાલિકાના બે વોર્ડ ઑફિસની હદમાં વિભાજીત કરી નાખવામાં આવ્યા છે. અમુક ઝુંપડપટ્ટી, ચાલી અને બિલ્ડિંગ આવી રીતે જ વહેંચાઈ ગયા હોવાનો દાવો પણ ભાજપે કર્યો છે.