ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ ફરી સક્રિય થઈ ગઈ છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ ફરી એક વખત શિવસેના પર નિશાન તાક્યું છે. મુંબઈ મહાનગરપાલિકા એ શિવસેના માટે ફક્ત કમાણીનું સાધન હોવાની આકરી ટીકા તેમણે મુખ્ય પ્રધાન અને શિવસેના પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરે પર કરી છે.
મંગળવારે બપોરે કિરીટ સોમૈયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં મુંબઈ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યશવંત જાધવ અને મુંબઈના મેયર કિશોરી પેડણેકર પર તેમણ અનેક આરોપ કર્યા હતા. કોન્ફરન્સમાં તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે યશવંત જાધવે કોવિડ સમયગાળા દરમિયાન તેમના અને તેમના સંબંધીઓના ખાતામાં 15 કરોડ રૂપિયા ડાયવર્ટ કર્યા હતા. તો મુંબઈના પાલક પ્રધાને મેયરની કંપનીને કોન્ટ્રાક્ટ આપવાનો પણ આક્ષેપ પણ તેમણે કર્યો હતો. સોમૈયાએ કહ્યું છે કે આ મુદ્દે તેઓ તમામ સરકારી એજન્સીઓને ફરિયાદ કરશે.
શિવસેના પર નિશાન સાધીને મુંબઈ મહાનગરપાલિકામાં અનેક કૌભાંડો થયા હોવાના આક્ષેપ પણ ભાજપના આ નેતાએ કર્યા હતા. કિરીટ સોમૈયાએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં એવા આરોપો લગાવ્યા હતા કે, "ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે કોર્પોરેશન આવકનો સ્ત્રોત છે. કોવિડ કાળમાં તેમણે જે કૌભાંડો કર્યા છે, તેનો હું હવે પર્દાફાશ કરીશ." એ સાથે જ કિરીટ સોમૈયાએ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
યશવંત જાધવે 15 કરોડ રૂપિયા તુકડા તુકડામાં આપ્યા છે. એક ખાનગી કંપનીના નામના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કિરીટ સોમૈયાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવના ખાતામાં રૂ. 2 કરોડ, તેમની પત્ની યામિની જાધવને રૂ. 2 કરોડ, તેમના પુત્ર નિખિલ જાધવને રૂ. 50 લાખ અને તેમના બીજા પુત્ર યતિન જાધવને રૂ. 50 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.