ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 મે 2021
ગુરુવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં રકમ જમા કરવા માટે BMC એના કર્મચારીઓનો પગાર કાપવાની છે. પાલિકા પ્રશાસને પોતાના કર્મચારીઓને તેમનો એક અથવા બે દિવસનો પગાર મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં આપવાનું ફરમાન કર્યું છે. એ માટે પ્રશાસને એક સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે. એ મુજબ કર્મચારીઓને તેમનો પગાર આપવો પડશે. 20 જુલાઈ સુધી આ રકમ મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં જમા થશે.
પાલિકા કર્મચારીના યુનિયનના કહેવા મુજબ મુંબઈમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે પાલિકાએ અત્યાર સુધી હજારો કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે. રાજ્યની મામૂલી મદદ સામે પાલિકાએ ગાંઠના પૈસા ખર્ચ્યા છે. હવે કોરોનાને નામે મુખ્ય પ્રધાન કર્મચારીઓના પગાર પર નજર નાખી રહ્યા છે. કોરોનાને નિયંત્રણમાં લાવવાના કામમાં સંકળાયેલા પાલિકાના અત્યાર સુધી 200થી વધુ કર્મચારી મૃત્યુ પામ્યા છે. એમાંથી 80 ટકા મૃત કર્મચારીના વારસદારોને સરકારી નિયમ મુજબ 50 લાખ રૂપિયાની મદદ મળી નથી.
પાલિકાએ પોતાના ફંડમાંથી મૃત કર્મચારીના વારસોને મદદ કરી છે, તો અમારે કેમ અમારો પગાર મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં જમા કરવો જોઈએ? એવી નારાજગી પણ BMC કર્મચારીઓએ વ્યક્ત કરી છે.