ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જૂન 2021
બુધવાર,
મુંબઈમાં પ્રૉપર્ટી ટૅક્સમાં વધારાનો પ્રસ્તાવ ટળી જતાં મુંબઈગરાએ હાશકારો માન્યો હતો, પરંતુ હવે મુંબઈ મહાનગરપાલિકાએ નવો વેરો ઝીંકવાની તૈયારી કરી લીધી છે. મુંબઈ પાલિકાએ 2014 પછીનાં તમામ બિલ્ડિંગો પાસેથી ફાયર સર્વિસ ફી વસૂલ કરવાનો નિર્ણય લીધો છે. એ મુજબ ઑક્યુપેશન સર્ટિફિકેટ આપતાં સમયે જ બિલ્ડર પાસેથી પ્રતિ ચોરસ મીટરના હિસાબે 10થી 15 રૂપિયા સુધીની ફી લેવામાં આવવાની છે. આ ફીના એક ટકા ફી પ્રતિ વર્ષ સંબંધિત માલિકોએ ભરવી પડવાની છે.
મુંબઈ ફાયર બિગ્રેડે 7 જૂનના બહાર પાડેલા સર્ક્યુલર મુજબ મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન ઍન્ડ લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ 2008 અંતર્ગત ફાયર સર્વિસ ફી અને ઍન્યુલ ફી વસૂલ કરવામાં આવવાની છે. આ વેરામાંથી વૃદ્ધાશ્રમ વગેરેને બાકત કરીને પાલિકાએ મહારાષ્ટ્ર સરકારના અર્બન ડેવલપમેન્ટ ખાતા પાસે પ્રસ્તાવને મંજૂરી માટે મોકલ્યો હતો. હજી જોકે તેમની પાસેથી જવાબ આવ્યો નથી. છતાં પાલિકાએ પોતાના લૉ ખાતાની સલાહ મુજબ પોતાના અધિકાર હેઠળ આ ફી વસૂલ કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈગરો સાવચેત રહેજો!! શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો
ફાયરબ્રિગેડે બહાર પાડેલા સર્ક્યુલર મુજબ 2014 પછી બાંધવામાં આવેલી તમામ બિલ્ડિંગને ફાયર સર્વિસ ફી ભરવી પડવાની છે. તેમ જ 6 જૂન, 2015 બાદ મ્હાડા, મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી, સ્લમ રિહેબિલિટેશ ઑથૉરિટી, મુંબઈ પૉર્ટ ટ્રસ્ટ જેવી ઑથૉરિટી હેઠળ આવતાં બિલ્ડિંગોને પણ ફી ભરવી પડવાની છે. ફાયર સર્વિસ ફી હેઠળ જમા થનારી રકમમાંથી અમુક રકમ રાજ્ય સરકારને મળશે, તો આ રકમમાંથી ફાયરબ્રિગેડ અત્યાધુનિક રીતે સજ્જ કરવામાં આવશે.