ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર.
એક તરફ મુંબઈ મહાનગરપાલિકા કોર્ટમાં એવી રજૂઆત કરે છે કે મુંબઈમાં ત્રીજી લહેરનું જોખમ નથી. તો બીજી તરફ બાંદરા-કુર્લા-કોમ્પલેક્સ, દહિસર, સોમૈયા મેદાન, કાંજુરમાર્ગ અને મલાડના પાંચ જમ્બો સેન્ટર ચલાવવા માટે ખાનગી સંસ્થાને નીમવાની યોજના બનાવી છે. આ સેન્ટરમાં આઈસીયુ, ઓક્સિજનની સુવિધા ધરાવતા બેડ વગેરેનું સંચાલન કરવા માટે પાલિકા ખાનગી સંસ્થાને 3 મહિના માટે નીમવાની છે. ત્રીજી લહેર આવી તો તબક્કાવાર આ સંસ્થાને વર્કઓર્ડર આપવામાં આવશે. તે માટે પાલિકા 105 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
લદ્દાખમાં તણાવ વચ્ચે ડ્રેગને ભારતને આપી ‘ધમકી’ કહ્યું-‘જો યુદ્ધ થશે તો કરવો પડશે હારનો સામનો’
મુંબઈમાં ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને પાલિકાએ આગોતરા તૈયારીરૂપે પાંચ જમ્બો કોરોના સેન્ટરના મેનેજમેન્ટ માટે અત્યારથી સંસ્થા પસંદ કરી મૂકી છે. મલાડ, કાંજુરમાર્ગ અન સોમૈયામાં જમ્બો સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જે પાલિકાને સોંપી દેવામાં આવ્યા છે. એ સિવાય દહિસર જમ્બો કોરોના સેન્ટર અને બીકેસીમાં અમુક બેડનું મેનેજમેન્ટ કરવા ખાનગી સંસ્થાને નીમવાની છે. જમ્બો સેન્ટરમાં દર્દીને પલંગ આપવાથી લઈને દર્દીને ભોજન, તેના કપડા ધોવાની વ્યવસ્થા, પાણી, સ્યુએજ, મશીનોની દેખરેખ જેવા કામ પાલિકા જ કરવાની છે. ફકત આરોગ્ય સેવા પૂરી પાડવાની જવાબદારી ખાનગી સંસ્થાની હશે, જેમાં સિનિયર કન્સલ્ટન્ટ, રેસિડન્ટ ડોકટર, મેડિકલ ઓફિસર, નર્સ, વોર્ડબોય, લેબર અને ટેક્નિશિન વગેરે મનુષ્યબળ આ સંસ્થા પૂરા પાડશે.