ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
મુંબઈમાં વધતા જતા ટ્રાફિકની સામે રોડ-ઍક્સિડન્ટનું પ્રમાણ દિવસે ને દિવસે જોખમી હદે વધી રહ્યું છે. એથી ઍક્સિડન્ટ થતા રોકવા માટે મુંબઈના રસ્તાઓનું ઑડિટ કરવાનો નિર્ણય મુંબઈ મનપાએ લીધો છે. એ માટે સલાહકાર નીમવાના છે, જેની મુદત ત્રણ વર્ષની હશે.
મુંબઈ શહેર, પૂર્વ અને પશ્ચિમ ઉપનગર માટે પ્રતિ કિલોમીટરે 20,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. રસ્તાના કરવામાં આવતા સેફ્ટી ઑડિટ માટે રોડ સેફ્ટી ઑડિટરની નિમણૂક કરવામાં આવી છે. જોકે પ્રતિ કિલોમીટરે આટલી મોટી રકમ ખર્ચવાના નિર્ણય સામે અત્યારથી વિરોધ ચાલુ થઈ ગયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં રસ્તાઓ પર થતા અકસ્માતને ઘટાડવા એના પર ઉપાયયોજના કરવા માટે સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં રોડ-સેફટી કમિટી બનાવી છે. આ કમિટીએ સાયન્ટિફિકલી રસ્તાના અકસ્માતને ઘટાડવા અને સલાહ આપવા માટે દિલ્હી ઇન્ટિગ્રેટેડ મલ્ટિમૉડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ લિમિટેડની નિમણૂક કરી છે. એ અંતર્ગત મુંબઈમાં પણ રસ્તાની સુરક્ષાને લઈને ઑડિટ કરવા માટે ઑડિટર નીમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ જોકે પાલિકા પાસે રસ્તાનું ઑડિટ કરવા કોઈ ઑડિટર નથી, ત્યારે પાલિકાએ પહેલી વખત આટલી મોટી રકમ ખર્ચીને રોડ-સેફ્ટી ઑડિટર નીમવાની છે. હાલના રસ્તા તથા નવા પ્રસ્તાવિત રસ્તાનું નિરીક્ષણ કરવાની તથા ઍક્સિડન્ટ થતા રોકવા માટે એ સલાહ આપશે.