ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જુલાઈ 2021
શુક્રવાર
મુંબઈમાં બોગસ વેક્સિનેશનના પ્રકરણ બાદ મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન જાગ્યું ગયું છે. એ મુજબ પહેલી જુલાઈથી અમલમાં મૂકવા સુધારિત ગાઇડલાઇન બહાર પાડી છે. એ મુજબ હવેથી હાઉસિંગ સોસાયટીમાં રાખવામાં આવનારા ખાનગી વેક્સિનેશન કૅમ્પ દરમિયાન પોલીસની હાજરી અનિવાર્ય રહેશે.
પાલિકાએ બહાર પાડેલી નવી ગાઇડલાઇન મુજબ વેક્સિનેશન કૅમ્પ કરતાં પહેલાં હાઉસિંગ સોસાયટીઓએ વૉર્ડ સ્તરે પાલિકાના મેડિકલ ઑફિસરની સાથે જ પોલીસને ત્રણ દિવસ અગાઉ જાણ કરવાની રહેશે. તેમ જ વેક્સિન લેનારી વ્યક્તિએ વેક્સિન લીધા બાદ તુરંત ડિજિટલ વેક્સિન સર્ટિફિકેટ લેવાનો આગ્રહ રાખવાનો રહેશે.
રસીકરણ કરનારી હૉસ્પિટલ કોવિન ઍપ પર રજિસ્ટર્ડ હોવી ફરજિયાત રહેશે. હૉસ્પિટલનો રજિસ્ટ્રેશન નંબર સત્તાવાર રીતે ઉપલબ્ધ છે કે નહીં એની તપાસ સંબંધિત મેડિકલ ઑફિસરે કરવાની રહેશે. સોસાયટી અને હૉસ્પિટલ વચ્ચે લેખિત મેમોરન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MOU) કરવી આવશ્યક રહેશે. સોસાયટીમાં વેક્સિનેશન માટે આવનારા હૉસ્પિટલના પ્રતિનિધિઓ પાસે આઈ-કાર્ડ હોવા આવશ્યક રહેશે.
હાઉસિંગ સોસાયટીમાં વેક્સિનેશન કૅમ્પ રાખનારી ખાનગી હૉસ્પિટલની જવાબદારી પણ પાલિકાએ નક્કી કરી છે. એ મુજબ હૉસ્પિટલની વેક્સિન ખરીદવા અને એના સંગ્રહ બાબતે જવાબદારી પણ રહેશે. વેક્સિનેશનમાં જરા પણ શંકા જણાય તો હાઉસિંગ સોસાયટીએ પોલીસ અને પાલિકા અધિકારીઓને જાણ કરવાની રહેશે. વેક્સિનની આડઅસર બાદ એની સારવાર માટે સંબંધિત હૉસ્પિટલ જવાબદાર હશે. હૉસ્પિટલ દ્વારા સોસાયટીના એરિયામાં વેક્સિનેશન કૅમ્પ દરમિયના ઑબ્ઝર્વેશન રૂમ રાખવો ફરિજયાત રહેશે.