ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઈના જુહુ સ્થિત તેમના ‘અધિશ’ બંગલામાં કથિત ગેરકાયદે બાંધકામને લઈને મુંબઈ મનપાએ કારણ દર્શાવો નોટિસ ફટકારી છે.
મુંબઈ મહાનગરપાલિકાએ આપેલી નોટિસમાં બંગલામાં કથિત ગેરકાયદે બાંધકામ બાબતે સાત દિવસમાં કારણ આપવાના રહેશે અને શા માટે આ બાંધકામ ન હટાવવું જોઈએ તે બાબતે પણ માલિકે જવાબ આપવાનો રહેશે.
દિશા સાલિયાન પર બળાત્કાર થયો હોવાનો અને તેમના મહારાષ્ટ્રના એક પ્રધાન સામેલ હોવાના સતત નિવેદન આપનારા નારાયણ રાણે સામે મહિલા આયોગે ફરિયાદ નોંધાવી હતી. તેને પગલે શનિવારે માલવણી પોલીસ સ્ટેશનમાં નારાયણ રાણેની પોલીસે નવ કલાક પૂછપરછ કરી હતી. તેમાં પાલિકાની નોટિસ તેમની માટે વધુ એક આંચકા સમાન છે.
અહીં ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા જ મનપાના અધિકારીઓએ નારાયણ રાણેની હાજરીમાં બંગલાનું ઈન્સપેકશન કરી ગયા હતા. હવે પાલિકાના કે-વેસ્ટ વોર્ડ દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી છે.
રહેણાંક તરીકે ઉપયોગ કરવામાં આવતા આ બંગલામાં ગેરકાયદે રીતે કરવામાં આવેલા ફેરફાર ખાસ કરીને સર્વિસ ઍરિયાસ સ્ટોર એરિયા અને બંગલાના બેઝમેન્ટમાં રહેલા પાર્કિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેની મુંબઈથી ઉત્તર ભારત જતી અમુક ટ્રેનો રદ આ કારણથી થશે રદ, આ ટ્રેનોના શેડ્યુલ બદલાયા.. જાણો અહીં ટ્રેનની વિગત..
બંગલામાં અન્ય ગેરકાયદે બાંધકામમાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને આઠમા માળા પર રહેલા ગાર્ડન ટૅરેસનો રૂમ તરીકે ઉપયોગ કરવામાં આવતા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ સિવાય ટૅરેસ ફ્લોરમાં પૅસેજનો ઉપયોગ રૂમ તરીકે કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
નારાયણ રાણેના બંગલામાં રહેલા ગેરકાયદે બાંધકામ સામે રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટિવિસ્ટ સંતોષ દૌંડકરે ફરિયાદ કરી હતી. આ બંગલામાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન(સીઆરઝેડ)ના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની તેમણે ફરિયાદ કરી હતી.
પાલિકાના અધિકારીઓએ ૨૧ ફેબ્રુઆરીના નારાયણ રાણેના જુહુમાં આવેલા આ બંગલામાં નિરીક્ષણ કર્યું હતું અને ગેરકાયદે બાંધકામ તપાસવા માટે બંગલાના દરેક ખૂણાના માપ લીધા હતા. તેમ જ ફોટા પણ લીધા હતા.