ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
બોલીવુડના દિગ્ગજ અભિનેતા બિગબી એટલે કે અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત પ્રતીક્ષા બંગલાની કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)મોડું કરતાં લોકાયુક્ત ગુસ્સે થયું છે. મહારાષ્ટ્ર લોકાયુક્ત જસ્ટિસ વીએમ કનાડેએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું છે કે આ કેસમાં મોડું થવા અંગે BMC એ ઘણાં જ અર્થ વગરના નિવેદનો આપ્યા છે.
લોકાયુક્ત જસ્ટિસ વી.એમ.કાનડેએ પોતાના આદેશમાં કહ્યું હતું કે દિવાલ તોડી પાડવામાં લગભગ એક વર્ષનો વિલંબ થયો છે, તેથી પાલિકાના ડેપ્યુટી ઍન્જિનિયર(રોડ) પશ્ચિમ ઉપનગરના નામે નોટિસ બહાર પાડવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો
પાલિકાએ હજી સુધી અમિતાભ બચ્ચનના બંગલાની દિવાલ તોડી નથી. કારણ કે રસ્તાને પહોળો કરવાના પ્રોજેક્ટમાં કોઈ પણ કોન્ટ્રેક્ટર નથી એવું કારણ આપવામાં આવી રહ્યું છે. તેમ જ આગામી આર્થિક વર્ષમા કોન્ટ્રેક્ટરની નિમણૂક કરીને દિવાલ તોડી પાડવામાં આવશે એવો જવાબ પાલિકાએ આપ્યો છે. જોકે લોકાયુક્તે કહ્યું હતું કે પાલિકા જાણીજોઈને અમિતાભ બચ્ચનના બંગલાની દિવાલ તોડવાનું ટાળી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે 2017મા જુહુમાં લિન્કિંગ રોડ પરના બંગલાની જમીનનો અમુક ભાગ અમિતાભ બચ્ચન અને તેના પડોશીને રસ્તાને પહોળો કરવા માટે આપવાનું કહેવામાં આવ્યું હતું. બંગલાના કમ્પાઉન્ડના ભાગ પરના સંત જ્ઞાનેશ્ર્વર રોડના 40 ફૂટ પરથી 60 ફૂટ સુધી પહોળો કરવાની પાલિકાએ યોજના બનાવી છે.