ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા બંગલાની સોમવારે સતત બે કલાક સુધી બીએમસીના અધિકારીઓએ ઝીણવટભરી તપાસ કરી હતી. આ બંગલાના બાંધકામમાં CRZ નિયમોના ઉલ્લંઘન કરવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યા બાદ પાલિકા એકશન મોડમાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ મહાનગરપાલિકાની એક ટીમે નારાયણ રાણેની હાજરીમાં જ બે કલાક સુધી બંગલાની તપાસ કરી હતી. બંગલાના દસ્તાવેજો ચકાસ્યા હતા. આ સમયે ”આધિશ”ના બંગલામાં પોલીસની ચુસ્ત સુરક્ષા રાખવામાં આવી હતી.
મુંબઈ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે સવારે 11 વાગ્યાની આસપાસ નારાયણ રાણેના બંગલામાં પહોંચી ગયા હતા. પાલિકાના આ અધિકારીઓએ બંગલાની આસપાસના વિસ્તારમાં કેટલાક ફોટા પાડ્યા હતા અને ગણતરી પણ કરી હતી. એ સિવાય તેમણે વિવિધ દસ્તાવેજો પણ તપાસ્યા હતા. એ પછી રાણે સાથે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.
મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં જુહુ ખાતેના બંગલામાં પ્રવેશતા પહેલા પાલિકાના અધિકારીઓની એક ટીમ પોલીસ સુરક્ષા માટે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી. ત્યાર બાદ જ તેઓ બંગલામાં પ્રવેશ્યા હતા.
આ અગાઉ પણ મહાનગરપાલિકાની ટીમે શુક્રવારે સાંજે પણ 'આધિશ' બંગલાની મુલાકાત લીધી હતી. જો કે, રાણે પરિવારના સભ્યોમાંથી કોઈ હાજર ન હોવાથી ટીમે કોઈ કાર્યવાહી કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. રાણેના બંગલામાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ બાદ પાલિકાએ બંગલાનું અને તેના દસ્તાવેજો તથા બાંધકામને લઈને છેલ્લા મંજુર થયેલ પ્લાનનો અભ્યાસ કરી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને શિવસેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એમાં હવે જુહુ ખાતે રાણેના બંગલાની તપાસ અને ગેરકાયદે બાંધકામોની ગણતરીના સંદર્ભમાં આ નોટિસ ફટકારવામાં આવી છે, તેથી આગામી દિવસમાં આ વિવાદ હજી વકરે એવી શક્યતા છે.
આરટીઆઈ કાર્યકર્તા સંતોષ દાઉન્ડકરે પાલિકા વહીવટીતંત્ર સામે રાણેના બંગલા પર ગેરકાયદે બાંધકામનો આરોપ મૂક્યો હતો. જો કે, તેના પર કોઈ પગલાં લેવામાં ન આવતાં, દાઉદકરે આ સંદર્ભે પાલિકા પ્રશાસનને ફરીથી રીમાઇન્ડર મોકલ્યું હતું. જે બાદ હવે પાલિકા પ્રશાસને આ કાર્યવાહી શરૂ કરી છે.