ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
મુંબઈનો છેવાડો ગણાતા દહિસર અને ભાયંદર વચ્ચેનું અંતર બહુ જલદી ઘટવાનું છે. મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે દહિસર લિંક રોડથી ભાયંદર (પશ્ચિમ) સુધીનો 5.6 કિમી લાંબો રોડ બાંધવામાં આવવાનો છે. આ લિંક રોડથી દહિસર-ભાયંદર વચ્ચે મુસાફરીનો સમય ઘટવાની સાથે જ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના પરની ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે. આ રસ્તો બનવામાં લગભગ પાંચ મહિનાનો સમય લાગશે.
લાંબા સમયથી મુંબઈ-મીરા ભાયંદરને જોડતો રોડ બનાવવા માટે માગણી થઈ હતી. છેવટે પાલિકાએ લગભગ 3000 કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તો બનાવવાનો નિર્ણય લીધો છે. આ લિંક રોડ મુંબઈને MMR સાથે જોડતો છઠ્ઠો રસ્તો બની રહેશે. હાલ દહિસર (પશ્ચિમ) સુધી રહેલો લિંક રોડ આગળ ભાયંદર (પશ્ચિમ) સુધી જોડાઈ જશે.
આ રસ્તાનું કામ જૂન મહિનાથી ચાલુ થશે અને ઓક્ટોબર 2022માં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. એટલે કે પાંચ મહિનામાં આ રસ્તો બની જશે. બે દિવસ પહેલા પાલિકાએ તેના ટેન્ડર બહાર પાડ્યા હતા.
પ્રસ્તાવિત રસ્તો મેન્ગ્રોવ્સ અને સોલ્ટ પાન(મીઠાના આગાર) જમીનમાંથી પસાર થાય છે. તેથી સંબંધિત સરકારી સંસ્થાઓ પાસેથી જરૂરી પર્યાવરણને લગતી મંજૂરી મેળવવી પડશે. BMC અધિકારીના જણાવ્યા પ્રમાણે મેન્ગ્રોવ્ઝને કારણે આ વિસ્તાર માટે એલિવેટેડ કોરિડોર ડિઝાઇન કરવામાં આવ્યો છે.
મૂળમાં મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ 2016માં દહિસર (પશ્ચિમ) અને ભાયંદર (પશ્ચિમ) વચ્ચે ખૂટતો લિંક રોડ બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કારણે હાલના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી ભાયંદર જવામાં 10 કિલોમીટરનું અંતર ઘટાડી દેશે. જોકે હવે આ પ્રોજેક્ટ BMC હાથ ધરવાની છે. તેમ જ BMCના અધિકારક્ષેત્રમાં જે વિસ્તાર નથી આવતો ત્યા બનનારા રોડમાં થનારો ખર્ચ MMRDA ચૂકવશે.
BMCના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) પી વેલરાસુના કહેવા મુજબ આ પ્રોજેક્ટ WEH પર ટ્રાફિકનો ભાર હળવો કરવા ઉપરાંત મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. મીરા-ભાઈંદર શહેરની વસ્તી 10 લાખથી વધુ છે. હાલ દહિસર પશ્ચિમથી ભાયંદર પશ્ચિમ અને મીરા રોડ પશ્ચિમ સુધી કોઈ મોટરેબલ રોડ ઉપલબ્ધ નથી.
દહિસર પશ્ચિમથી ભાઈંદર સુધીની કનેક્ટિવિટી બે શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડવામાં તેમજ ટ્રાફિક ઘટાડવામાં મદદ કરશે. મુંબઈથી ભાઈંદરની સાથે જ વસઈ-પાલઘરની સાથે સાથે ગુજરાત, દિલ્હી અને ઉત્તર ભારત તરફ જતા ટ્રાફિક માટે રસ્તો ઉપયોગી સાબિત થશે. ઘોડબંદર રોડની સાથે જ દહિસર ચેકનાકા પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક હોય છે.