ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
કોરોના મહામારીમાં મુંબઈ મહાનગરપાલિકાને પણ આર્થિક ફટકો પડ્યો છે. એથી પાલિકાએ પોતાની આવકમાં વધારો કરવા માટે હવે બ્યુટિફિકેશન ફી વસૂલ કરવાનો નિર્ણય લીધો છે. બ્યુટિફિકેશન ફીમાં પાંચ ટકાના વધારે સાથે આ ફી પાલિકા વસૂલ કરવાની છે.
આ અગાઉ પ્રૉપર્ટી ટૅક્સ, વૉટર ટૅક્સમાં વધારાનો પ્રસ્તાવ પાલિકા લાવી હતી, જેને પાલિકાની સ્ટૅન્ડિંગ કમિટીએ ફગાવી દીધો હતો. હવે પાલિકા પ્રશાસને ખાનગી કૉમ્પ્લેક્સમાં બ્યુટિફિકેશન ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રસ્તાવ મંજૂર થયો તો દર વર્ષે બ્યુટિફિકેશન ફીમાં પાંચ ટકાનો વધારો થશે.
શૉકિંગ! બોરીવલીના નૅશનલ પાર્કમાં પાંચ મહિનામાં આટલાં પ્રાણીનાં થયાં મોત; જાણો વિગત
ખાનગી હાઉસિંગ સોસાયટી, કૉમ્પ્લેક્સ વગેરેમાં ફાઉન્ટન, વૉટર ટૅન્ક, કૃત્રિમ ઝરણા જેવું સૌંદર્યીકરણ કરવું હોય એ માટે પાલિકાના પેસ્ટ કન્ટ્રોલ ખાતા પાસેથી મંજૂરી લેવાની હોય છે. એ માટે ફી ચૂકવવી પડે છે. તેમ જ એ માટે વાર્ષિક સ્તરે 6,500 રૂપિયાની ફી તેમ જ 20,000 રૂપિયાની ડિપોઝિટ ભરવાની હોય છે, ત્યારે પાલિકા આ ફીમાં પાંચ ટકાનો વધારો કરવાની છે. એથી આ ફી હવે 6,825 રૂપિયા થશે, તો ડિપોઝિટ 22,000 રૂપિયા થઈ જશે. છેલ્લાં ત્રણ વર્ષથી આ ફીમાં પાલિકાએ વધારો કર્યો નથી.