ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન 2021
સોમવાર
મુંબઈને માથે આગામી દિવસમાં પાણી કાપનું સંકટ નિર્માણ થયું છે. મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં માત્ર 16 ટકા જ પાણીનો સ્ટોક બાકી રહ્યો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાનું ટેન્શન વધી ગયું છે.
હાલ તમામ જળાશયોમાં 2,41, 094 મિલિયન લિટર (મિ.લી.)જેટલો પાણીનો સ્ટોક છે. જે લગભગ 16 ટકા જેટલો કહેવાય છે. મુંબઈના તમામ જળાશયોની પાણી સમાવાની ક્ષમતા 14,47363 મિલિયન લિટર જેટલી છે.
મુંબઈ મહાનગરપાલિકા મુંબઈને દરરોજ 3,800 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો કરે છે. આખું વર્ષ પાણી કાપ વગર નાગરિકોને પાણી મળી રહે તે માટે પહેલી ઓક્ટોબરના જળાશયોમાં 14,47,000 મિ.લી. પાણી હોવું આવશ્યક છે.
ગયા વર્ષે સારો એવો વરસાદ પડયો હતો. તેથી જળાશયોમાં મબલખ પાણી હતું. આ વર્ષે જૂન મહિનામાં આવેલા વાવાઝોડાને પગલે શરૂઆતમાં સારો એવો વરસાદ પડી ગયો હતો. જોકે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. જળાશયોના કેચમેન્ટ એરિયામાં છૂટોછવાયો પડી રહ્યો છે. જોકે તે પણ નોંધનીય ન હોવાનું પાલિકાના પાણી પુરવઠા ખાતાના અધિકારીનું કહેવું છે.
હાલ મોડક સાગરમાં 50,285 મિલિયન લિટર પાણી છે. તેની પાણી સમાવાની કુલ ક્ષમતા 1,28,295 મિ.લી. છે. તાનસામાં હાલ 44,161 મિ.લી. પાણી છે. તેની કુલ ક્ષમતા 1,45,080 મિ.લી. છે. મધ્ય વૈતરણાની પાણી સમાવાની કુલ ક્ષમતા 1,93,530 મિ.લી. સામે હાલ તેમાં 26,870 મિ.લી. પાણી છે. ભાતસાની કુલ ક્ષમતા 7,17,037 મિ.લી. સામે હાલ 96,697 મિ.લી. પાણી ઉપલબ્ધ છે. વિહારમાં હાલ 17,166 મિ.લી. પાણી છે. તેની ક્ષમતા 27,698 મિ.લી. છે. તુલસીની પાણી સમાવાની ક્ષમતા 8,046 સામે હાલ તેમાં માત્ર 5,915 મિ.લી. પાણી છે.