News Continuous Bureau | Mumbai
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા વર્ષ 2021માં ઉલ્લેખનીય કામગીરી બજાવવામાં આવી છે, જેમાં CCTV કેમેરાની મદદથી કેસ સોલ્વ કરવામાં 487.5 ટકાનો વધારો થયો છે. તો ખોવાયેલો સામાન તેના મુળ માલિક સુધી પહોંચાડવામાં 97.5 ટકા સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રેલવેના પરિસરમાં આચરવામાં આવતા ગુનાઓને સોલ્વ કરવાની જવાબદારી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની હોય છે. વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ 2021ની સાલમાં RPF દ્વારા અનેક મહત્વની કામગીરી પાર પાડવામાં આવી હતી, જેમાં રેલવે પરિસરમાં અથવા ટ્રેનમાં ખોવાઈ ગયેલો, ચોરાઈ ગયેલો માલ તેના મુળ માલિક સુધી પહોંચાડવામાં 97.5 ટકા સફળતા મળી હતી. CCTV કેમેરાની મદદથી કેસ સોલ્વ કરવામાં 2020ની સરખામણીમાં 2021ની સાલમાં 487.5 ટકાનો વધારો થયો હોવાનો દાવો પણ વેસ્ટર્ન રેલવે દ્વારા કરવામાં આવ્યો છે
RPF એ બિનસરકારી સંસ્થાની મદદથી ઘરેથી ભાગી છૂટેલા 385 છોકરા અને 212 છોકરીઓને બચાવ્યા હતા. આખા વર્ષ દરમિયાન RPF દ્વારા 2.58 કરોડના મૂલ્યનો માલ-સામાન તેમના અસલી માલિકને પાછો કર્યો હતો. જુદા જુદા સ્ટેશન અને પરિસરમાં ચાલતી ટ્રેનની નીચે આવી જનારા 34 લોકોને RPF જવાન દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. રેલવે સંપત્તિને નુકસાન કરનારા 847 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
2021માં પશ્ર્ચિમ રેલવેમાં RPFએ ગેરકાયદે રીતે દારૂનું વહન, બનાવટી ભારતીય ચલણ, તમાકુ, કિંમતી સામાન વગેરેના પરિવહન વિરુદ્ધ કાર્યવાહી કરીને 26 લાખથી વધુ કિંમતનું સામાન જપ્ત કર્યું હતું. તો 359 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : શું મુંબઈ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે? ગૃહ મંત્રાલયને કરવામાં આવી રજૂઆત, શિવસેનાના આ નેતાએ ભાજપ પર લગાવ્યો મોટો આરોપ
ટિકિટની દલાલી કરનારા 833 દલાલોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના દ્વારા ગેરકાયદે રીતે બુક કરવામાં આવેલી 2.15 કરોડના મૂલ્યની ટિકિટ જપ્ત કરવામાં આવી હતી. ગેરકાયદે રીતે સીટ પકડી પ્રવાસ કરનારા 13,846 પ્રવાસીઓ પાસેથી દંડ પેઠે 34,72,630 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગેરકાયદે રીતે રેલવે પરિસરમાં અડિંગો જમાવી બેસેલા 8,410 ફેરિયાઓ સામે કાર્યવાહી કરી હતી.