ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
તમારા ઘર અને બિલ્ડિંગની આજુબાજુ વર્ષો જૂના ઝાડ આવેલા હોય તો તેની યાદી બનાવી રાખજો. કારણકે મુંબઈમાં પહેલી વખત જૂના હેરીટેજ શ્રેણીમાં આવતા વૃક્ષોનો મુંબઈ મહાનગરપાલિકાનો ગાર્ડન ડિપાર્ટમેન્ટ સર્વે કરવાની છે. મુંબઈમાં લગભગ આવા 30 લાખની આસપાસ જૂના હેરીટેજ વૃક્ષો હોવાનો અંદાજ છે.
મહારાષ્ટ્ર (અર્બન એરીયા) પ્રોટેક્શન એન્ડ પ્રિઝર્વેશન ઓફ ટ્રી એક્ટ – 1975માં કરવામાં આવેલા સુધારા મુજબ 50 વર્ષથી ઉપરની ઉંમરના વૃક્ષોને હેરીટેજ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. કાયદામાં કરવામાં આવેલા સુધારા મુજબ હેરીટેજ વૃક્ષોને હવે કાપી નહીં શકાય. જોકે કાયદામાં આ વૃક્ષોની સુરક્ષાને લઈને કોઈ જોગવાઈ નથી. હવે જોકે પાલિકાના આ સર્વેને કારણે વૃક્ષોને સુરક્ષા તો મળશે જ પણ સાથે તેને પોષણ પણ મળશે.
પાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટના અધિકારી જીતેન્દ્ર પરદેશીના કહેવા મુજબ આગામી બે ત્રણ મહિનામાં પાલિકા હેરીટેજ વૃક્ષનો સર્વે કરશે. ત્યારબાદ જ મુંબઈમાં ચોક્કસ કઈ જગ્યાએ અને કેટલા હેરીટેજ વૃક્ષો છે તેની માહીતી મળશે. એક અંદાજ મુજબ મુંબઈમાં 30 લાખ હેરીટેજ વૃક્ષો છે. પાલિકા પાસે તેનું લિસ્ટ છે અને તેની ઉંમરના પ્રમાણે તેને જુદા પાડવામાં આવશે.
પાલિકાના દાવા મુજબ આ સર્વેને કારણે વૃક્ષોનું સંવર્ધન કરવામાં અને તેનું જતન કરવામાં સરળતા રહેશે. રિસર્ચ પણ કરવામાં આવશે અને તે મુજબ વૃક્ષોને ખાતર, પાણી પૂરું પાડવામાં આવશે.