ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
મલાડ ટ્રાફિક પોલીસના અધિકારીની સતર્કતાને કારણે નકલી નંબર પ્લેટ સાથે વાહન ચલાવતો એક વ્યક્તિ પકડાય ગયો છે. હકીકતે 28 જુલાઈ,2021ના રોજ ચાર વાગ્યાની આસપાસ ટોવિંગ વેન ઑફિસર આસિસ્ટન્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ASI) ડાભોલકરે એક ઍક્ટિવા અને તેની સાથે બીજી ચાર મોટર સાઇકલ મલાડ પશ્ચિમમાં ગોવિંદા હૉટેલ પાસેથી ટો કરી હતી.
મલાડ ટ્રાફિક ડિવિઝન ઑફિસ ખાતે મોટર સાઇકલો ઉતાર્યા બાદ એક શખ્સુલ્લાહ શફીક નામનો શખ્સ મલાડ ટ્રાફિક વિભાગની ઑફિસમાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે પોલીસે ટો કરેલી ઍક્ટિવા તેના મિત્રની છે. જ્યારે કૉમ્યુનિટી રિસૉર્સ ઑફિસર (CRO) ASI સાતવસેએ વાહનના દસ્તાવેજો અને RC બુક માગી ત્યારે તેણે જવાબ આપ્યો કે દસ્તાવેજો તેના મિત્ર પાસે છે. જ્યારે અધિકારીએ તેને માલિકને ફોન કરવાનું કહ્યું, ત્યારે તેણે થોડું શંકાસ્પદ વર્તન કર્યું હતું, એથી આ બાબતની જાણ મલાડ ટ્રાફિકના સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) શિંદેને કરવામાં આવી હતી. શિંદેએ અધિકારીને ઈ-ચલાન મશીન પર વાહન નંબર તપાસવા કહ્યું હતું.
આ નંબર તપાસતાં જણાયું હતું કે આ નંબર ઍક્ટિવાનો નહિ, પરંતુ અન્ય બાઇકનો છે. ત્યારબાદ અધિકારીએ નમ્રતાથી તેને સ્ટેશનની અંદર બેસવાનું કહ્યું. અધિકારીએ યામાહા FZ બાઇકના વાસ્તવિક માલિકને બોલાવ્યો હતો અને સંપૂર્ણ માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ શખ્સુલ્લાહ શફીક વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડસહિતાની કલમ ૪૨૦, ૪૬૫ અને ૪૭૧ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આને કારણે હવે કોઈ મોટા રૅકેટનો પણ પર્દાફાશ થાય એવી શક્યતા છે.