ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં આગામી વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને શિવસેના સંયુક્ત રીતે ચૂંટણી લડે એવી શક્યતા જણાઈ રહી છે.
દેશની અત્યંત શ્રીમંત ગણાતી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવતા વર્ષે થઈ રહી છે, ત્યારે છેલ્લાં 30 વર્ષથી પાલિકામાં શાસન કરી રહેલી શિવસેના અને તેનો એક સમયનો મિત્ર ભાજપ બંને પક્ષો પાલિકામાં એકહથ્થુ સત્તા મેળવવાના પ્રયાસમાં લાગી ગયાં છે, તો મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારમાં સાથે રહેલી કૉન્ગ્રેસે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાની ઇચ્છા પહેલાં જ જાહેર કરી દીધી છે. જોકે મહાવિકાસ આઘાડીમાં સાથે રહ્યા બાદ પાલિકાની ચૂંટણી અલગ અલગ લડવાને બદલે સાથે રહીને લડવા બાબતે શિવસેના ભાર આપી રહી છે.
ભાજપને હરાવવા માટે કૉન્ગ્રેસનો સાથ જરૂરી હોવાની દલીલ સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના અગ્રણી નેતા સંજય રાઉત કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની મુલાકાત કરવાના હોવાનું કહેવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે 2017ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેનાએ 37 ટકા મત લઈને 84 સીટ મેળવી હતી, તો ભાજપે 36.1 ટકા મત લઈને 82 જગ્યા જીતી હતી, તો કૉન્ગ્રેસના ફક્ત 31 નગરસેવક ચૂંટાઈ આવ્યા હતા. તેમના મતોની સંખ્યા પણ ઘટીને 13.7 ટકા પર આવી ગઈ હતી. છતાં શિવસેના ભાજપને પાલિકામાં સત્તાથી દૂર રાખવા માટે કૉન્ગ્રેસ સાથે મળીને પાલિકાની ચૂંટણી લડવા માટે આતુર હોવાનું કહેવાય છે. સેનાના મરાઠી મત તો કૉન્ગ્રેસના ઉત્તર ભારતીય અને મુસ્લિમ મતથી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટા માર્જિનથી સરળ રહેશે. એમાં પણ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનો સાથ ચોક્કસ મળશે એવી શિવસેનાને ખાતરી છે.