ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈની બજારોમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળીમાં વેચાતી વસ્તુઓ બજારોમાં દેખાઈ રહી છે. આગામી અઠવાડિયામાં બજારમાં ગ્રાહકોને સારી એવી ભીડ થશે એવું વેપારીઓનું માનવું છે. લગભગ દોઢ વર્ષ બાદ લોકોને ખરીદી કરવાની તક મળી છે. એથી વસ્ત્રો, ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ વગેરેની માગણીમાં પણ વધારો થયો છે.
બજારમાં સૌથી વધુ ખરીદી નવરાત્રીથી શરૂ થાય છે. નવરાત્રી અને દિવાળીમાં વસ્ત્રો, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સૌથી વધુ વેચાય છે. નવી ડિઝાઇનનાં વસ્ત્રો આવે છે. બાળકોનાં કપડાંની વધુ આકર્ષક ડિઝાઇન આવી હોવાનું બજારમાં દેખાઈ રહ્યું છે. 8થી 13 વર્ષ સુધીનાં બાળકોના ફ્રૉક, સિંગલ પીસ ડ્રેસની માગણી અત્યારે છે. દિવાળીમાં પારંપારિક કપડાંને બદલે હવે ઇન્ડો-વેસ્ટર્ન કપડાંની માગણી ગ્રાહકો તરફથી વધી છે. એથી તેવાં જ વસ્ત્રો બજારમાં આવે છે. એવું દાદરના એક વિક્રેતાએ જણાવ્યું હતું.
દેશના આ રાજ્યના સાઇકલ વેપારીઓ ઇન્કમ ટૅક્સના રડાર પર, મોટા પાયે છાપામારી શરૂ; જાણો શું છે સમગ્ર મામલો
બીજી બાજુ દિવાળીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પણ વધુ વેચાશે. એવી વેપારીઓને અપેક્ષા છે માટે દિવાળીમાં જુદી જુદી ઑફરો આપવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. વૉશિંગ મશીન, એસી, ફ્રિજ, ટીવી જેવાં ઘરગથ્થુ ઉપકરણો માટે આકર્ષક ઑફર તૈયાર કરવામાં આવી છે અને દિવાળીમાં એક અઠવાડિયા પહેલાં લાગુ કરાશે. એવું એક શોરૂમના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.
દિવાળી બાદ અમુક દિવસ પછી લગ્નની સિઝન શરૂ થશે. એથી બજારમાં સૂટકેસ બૅગ, નવાં ચંપલ-બૂટ સાડીઓ, લગ્નનાં વસ્ત્રો સહિત સોનાના દાગીનાની માગણી પણ વધી છે. આ બધું જોતાં લાગે છે કે કોરોનાનો માર ખાધા બાદ હવે બજારો પૂર્વવત્ થઈ રહ્યાં છે.