ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
શહેરની નદીઓના કાયાકલ્પ માટે કામ કરતી સંસ્થા રિવર માર્ચ સાથે સંકળાયેલા કાર્યકરોએ દરખાસ્ત કરી છે કે ચારકોપમાં આવેલા લોકપ્રિય ટર્ઝન પોઇન્ટ તળાવ જ્યાં અનેક પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, તેને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે છેલ્લાં કેટલાક સમયથી અમુક લોકો પર્યાવરણ પ્રેમીઓને તળાવની નજીક જંગલમાં પ્રવેશવા રોકે છે.
ચારકોપના રહેવાસી પર્યાવરણ પ્રેમી મિલી શેટ્ટીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે “આ વિસ્તારમાં પુષ્કળ પક્ષીઓ, સરીસૃપ અને સમૃદ્ધ ઇકોલોજી સાથેનું એક અવિશ્વસનીય સુંદર જંગલ આવેલું છે.” પર્યાવરણ અને પ્રાણી પ્રેમીઓએ અહી ૧૫૦ વિવિધ જાતના પક્ષીઓ હોવાનો દાવો કર્યો છે. ઉપરાંત આ લેક પાસે એક દુર્લભ પક્ષી બીટર્ન પણ બે દાયકા બાદ દેખાયું હતું.
અગાઉ પર્યાવરણ પ્રેમીઓ અહી અવારનવાર જતા હતા, પરંતુ છેલ્લાં છ મહિનાથી તેમને હવે અમુક લોકો પ્રવેશવા દેતા નથી અને આ ખાનગી માલિકીની જમીન હોવાનું કહે છે. ઉપરાંત ત્યાં આ બાબતે બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. મિલીએ આ વિસ્તારને કાનૂની સંરક્ષણ આપી અને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવે તે માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 2018માં, શેટ્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પત્ર લખ્યો હતો અને ચારકોપના લગભગ 200 હેક્ટર જંગલ પેચને પક્ષી અભયારણ્ય જાહેર કરવા વિનંતી કરી હતી. ટર્ઝન પોઇન્ટ તળાવ પાસે નયનગમ્ય દૃશ્ય ઉપરાંત અને પક્ષીઓ પણ જોવા મળે છે.
Join Our WhatsApp Community