ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે, પરંતુ પાણીજન્ય કહેવાતી બીમારી ડેન્ગ્યુ, મલેરિયા, ગૅસ્ટ્રો તેમ જ લેપ્ટો જેવી બીમારીઓએ મુંબઈમાં માથુ ઊંચક્યું છે. એક મહિનામાં આ બીમારીના કેસ બમણા થઈ જતાં મુંબઈ મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો છે. જોકે સદનસીબે અત્યાર સુધી આ બીમારીથી એકનું પણ મૃત્યુ થયું નથી.
પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ 2020ની સાલના આખા વર્ષમાં મલેરિયાના 5,007 દર્દી નોંધાયા હતા અને એકનું મોત થયું હતું. લેપ્ટોના 240 દર્દી અને આઠનાં મોત, ડેન્ગ્યુના 129 દર્દી અને ત્રણનાં મોત તો ગૅસ્ટ્રોના 2,549 દર્દી નોંધાયા હતા. જ્યારે સ્વાઇન ફ્લૂના 44 દર્દી નોંધાયા હતા. એની સામે આ વર્ષે ફક્ત છ મહિનામાં એટલે કે પહેલી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં ગૅસ્ટ્રોના 2,318 કેસ નોંધાયા છે. લેપ્ટોના 96, ડેન્ગ્યુના 77, ગૅસ્ટ્રોના 1,572 તો સ્વાઇનફ્લૂના 28 દર્દી મળી આવ્યા છે, જેમાં લેપ્ટોના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે.
પાલિકાના આરોગ્ય ખાતાના કહેવા મુજબ જુલાઈ મહિનામાં થયેલી અતિવૃષ્ટિને કારણે અનેક ઠેકાણે પાણી ભરાયાં હતાં. એથી વરસાદનાં પાણી ઠેરઠેર ભરાઈ જવાને કારણે મચ્છરનો ઉપદ્રવ વધી જતાં મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીનું પ્રમાણ વધી ગયું છે. જૂન મહિનામાં મલેરિયાના 357 દર્દી સામે જુલાઈમાં આ આંકડો 557 પર પહોંચી ગયો હતો. લેપ્ટોની સંખ્યા જૂનમાં 15 હતી, એ જુલાઈમાં 37 થઈ ગઈ છે. ડેન્ગ્યુના જૂનમાં 12 કેસ હતા, જે જુલાઈમાં 28 થઈ ગયા હતા. ગૅસ્ટ્રોનો આંકડો જૂનમાં 180 હતો, એ જુલાઈમાં 294 થઈ ગયો હતો. સ્વાઇન ફ્લૂના જૂનમાં છ દર્દી સામે જુલાઈમાં આ આંકડો 21 પર પહોંચી ગયો હતો.