ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
કોરોનાનું કારણ આગળ કરીને મુંબઈમાં ગરબા અને દાંડિયારાસના આયોજન પર મુંબઈ મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂકી દીધો છે, પરંતુ મુંબઈને બાકાત કરતાં રાજ્યમાં ગરબા રમવાની મંજૂરી આપી દેવામાં આવી છે. કોરોનાને લગતા તમામ નિયનોનું સખતાઈપૂર્વક પાલન કરવાનું રહેશે એવું રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું.
મુંબઈને બાદ કરતાં રાજ્યમાં ગરબા રમવાની સાંસ્કૃતિક મંત્રાલયે માન્યતા આપી હતી. ખુલ્લા મેદાનમાં અને A/C હૉલમાં ગરબા રમી શકાશે. ગરબા રમતાંં સમયે જોકે માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. હૉલમાં ગરબા રમતાં સમયે હૉલની ક્ષમતાના 50 ટકા લોકોને જ પ્રવેશ આપવાનો રહેશે.
અરે વાહ, મુંબઈ શહેરના આ વિસ્તારમાં 65 ટકા લોકોનું રસીકરણ થયું; જાણો વિગતે
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં છે. બ્રેક ધ ચેઇન હેઠળ મોટા ભાગની છૂટછાટ આપી દેવામાં આવી છે. સ્કૂલ અને ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવી રહ્યાં છે. વેક્સિનનો બંને ડોઝ લેનારાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસની પણ મંજૂરી છે. એથી નવરાત્રીમાં ગરબાની મંજૂરી પણ આપવામાં આવશે એવી લોકોની અપેક્ષા હતી, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ગરબા રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકારે પણ મુંબઈને છોડીને રાજ્યનાં તમામ સ્થળોએ ગરબા રમવાની મંજૂરી આપી દીધી છે. એથી શું કોરોના ફક્ત મુંબઈમાં છે, રાજ્યના અન્ય વિસ્તારોમાં નથી એવી નારાજગી ગરબાપ્રેમીઓએ વ્યક્ત કરી હતી.