ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની યુનિટ 11એ દહીસરમાંથી લગભગ સાત કરોડ રૂપિયાની બનાવટી ભારતીય કરન્સી જપ્ત કરી હતી. બનાવટી ભારતીય ચલણ છાપીને તેને બજારમાં ફેરવાનારી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરીને ગેંગના સાત લોકોની ધરપકડ કરી હતી.
મળેલી ટીપને આધારે મંગળવારે મોડી સાંજે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે દહીસર ચેકનાકા પાસે એક કારને આંતરી હતી. કારમાં રહેલા ચાર લોકોની પોલીસે પૂછતાછ કરી હતી. તેમ જ કારની તલાશી લીધી હતી, જેમાંથી 250 નોટના બંડલ મળી આવ્યા હતા, જેની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયાની આસપાસ જણાઈ હતી.
કારમાં રહેલા લોકોની પૂછતાછ કરતા તેમના અન્ય ત્રણ સાથીદાર પણ હોવાની તેમણે કબૂલાત કરી હતી. મળેલી માહીતીને આધારે પોલીસે અંધેરી(પશ્ચિમ)માં આવેલી એક હોટલમાં રેડ પાડી હતી અને તેમની પાસેથી વધુ નોટના 100 બંડલ મળી આવ્યા હતા, જેની કિંમત બે કરોડ રૂપિયા થતી હતી.
બનાવટી નોટોની સાથે જ પોલીસે તેમની પાસેથી લેપટોપ, સાત મોબાઈલ અને 28,170 રૂપિયા, આધાર કાર્ડ, પાન કાર્ડ તથા ડ્રાઈવીંગ લાઈસન્સ વગેરે મળી આવ્યું હતું.
પોલીસને તપાસ દરમિયાન જાણ થઈ હતી કે ભારતીય ચલણની બનાવટી નોટો છાપીને તેને દેશભરમાં માર્કેટમાં ડિસ્ટ્રિબ્યૂટ કરતી આખી આંતરરાજ્ય ટોળકી આમા સંડોવાયેલી છે. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જયાં તેમને 31 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.