ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
બીમારીવશ અથવા શારીરિક સમસ્યાને કારણે છ મહિનાથી પણ વધુ સમયથી પલંગ પર હોય તેવા દર્દીને મુંબઈમાં 30 જુલાઈથી ઘરે જઈને કોવિડ-19ની વેક્સિન આપવાની છે. K-ઈસ્ટ વૉર્ડના અંધેરી (ઈસ્ટ)માં પ્રાયોગિક ધોરણે ઘરે જઈને વેક્સિન આપવાનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવવાનો છે.
કોવિડ-19 પ્રતિબંધક વેક્સિન ઝડપથી તમામ વર્ગના લોકોને મળી રહે એ માટે મુંબઈ મહાનગરપાલિકા પ્રયાસ કરી રહી છે. જુદી-જુદી ઉપાયયોજના અમલમાં મૂકી રહી છે, જેમાં પાલિકાએ સિનિયર સિટીઝન માટે ડ્રાઇવ ઇન વેક્સિન ઝુંબેશ ચાલુ કરી હતી. હવે મેડિકલ રિઝનથી અથવા શારીરિક બીમારીને કારણે પલંગ પર વર્ષોથી હોય તેવા નાગરિકોને ઘરે જઈને વેક્સિન આપવાનો નિર્ણય લીધો છે. આ લોકો વેક્સિનેશન સેન્ટર સુધી જઈને વેક્સિન લઈ શકે એવી હાલતમાં નથી હોતા. એથી તેમને ઘરે જઈને વેક્સિન આપવાની લાંબા સમયથી માગણી થઈ રહી હતી. એ મુજબ પાલિકા અંધેરી બાદ મુંબઈના અન્ય વિસ્તારમાં પણ આ ઝુંબેશ ચાલુ કરશે.
લોકલ ટ્રેન બાબતે લોકોને ફરી એક વાર સાંપડી નિરાશા: સરકારે લીધો આ નિર્ણય
આ પ્રોજેક્ટ માટે બિનસરકારી સંસ્થાની મદદ પાલિકાએ લીધી છે. અત્યાર સુધી 4,466 આવી વ્યક્તિનાં નામ નોંધાઈ ચૂક્યાં છે. જો કોઈના ઘરમાં આવી વ્યક્તિ હોય તો તેઓ પણ પાલિકાનો સંપર્ક સાધીને વિગત જણાવી શકે છે. સંબંધિત વ્યક્તિનું નામ, ઉંમર, ઍડ્રેસ, ફોન નંબર, પલંગમાં હોવા પાછળનું કારણ જેવી માહિતી covidvacc2bedridden@gmail.com ઈ-મેઇલ પર મોકલવાની રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે પલંગમાં રહેલી બીમાર વ્યક્તિનું એ માટે સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે.