ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
કાંદિવલી વિસ્તારની હીરાનંદાની સોસાયટીના 390 સભ્યોને કોરોનાની ખોટી વેક્સિન આપવાના મામલે પોલીસે નકલી વેક્સિન આપનાર 4 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને અન્ય એક શખ્સની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે મીડિયાને કહ્યું કે, આ વેક્સિનની સપ્લાય મધ્યપ્રદેશથી કરવામાં આવી હતી. પોલીસે સપ્લાય કરનાર શખ્સને પણ પકડી પાડ્યો છે.
મુંબઈના ઉત્તર વિભાગના એસીપી દિલીપ સાવંતે આ અંગે જાણકારી આપતાં મીડિયાને જણાવ્યું હતું કે “પોલીસે ફેક વેક્સિન મામલે ચાર લોકોની ધરપકડ કરી છે.” આમાંનો એક શખ્સ કોરોનાની નકલી વેક્સિનનું રેકેટ ચલાવતો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. જ્યારે બીજો આરોપી મુંબઈની મોટી-મોટી સોસાયટીઓમાં રસીકરણના કૅમ્પનું આયોજન કરી ખોટી રસી આપતો હતો. એસીપી સાવંતે ઉમેર્યું હતું કે અન્ય બે આરોપીઓ લોકોના ઓળખપત્રોની ચોરી કરતા હતા અને મધ્યપ્રદેશથી પકડાયેલો શખ્સ મધ્યપ્રદેશથી મુંબઈ વેક્સિન લાવતો હતો.
ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસે એફઆઈઆર નોંધી છે. પ્રાથમિક તપાસમાં પોલસને જણાયું છે કે આ રસી અધિકૃત કેન્દ્રોમાંથી ખરીદવામાં આવી ન હતી. ઉપરાંત રસીનું સીલ પણ તૂટેલું હતું. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની પૂછપરછ બાદ આગળ વધુ તપાસ કરાશે.