News Continuous Bureau | Mumbai From Today administrator will be handling BMC
મુંબઈ મહાનગરપાલિકાની (BMC) મુદત સોમવારના રાતના પૂરી થઈ ગઈ છે. એ સાથે જ હવે મુંબઈમાં નગરસેવકોનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. મુંબઈનું મેયર (Mayor) પદ પણ હવે રિક્ત રહેશે. એ સાથે જ પાલિકામાં મેયરની ઑફિસથી લઈને તમામ સમિતિના અધ્યક્ષની ઓફિસ પરથી નામના બોર્ડ હટાવી લેવામાં આવશે અને તેને તાળા મારી દેવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકાની (BMC Election) ચૂંટણીની જાહેરાત થઈ ન હોવાથી ચાલુ પાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ છે. મંગળવાર એટલે કે આજથી તમામ કારભાર પ્રશાસકના (Administrator ) હાથમાં આવી ગયો છે. મુંબઈના પ્રશાસક તરીકે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ હવે મુંબઈ મહાનગરપાલિકાનો કારભાર સંભાળશે.
મુંબઈ મહાનગરપાલિકાની મુદત સાત માર્ચ સુધીની હતી. આ વખતે મુદત પહેલા ચૂંટણી થઈ ન હોવાથી રાજ્ય સરકારે પાલિકામાં પ્રશાસક નિમવાનો નિર્ણય લીધો છે. તે મુજબ મંગળવારથી તમામ કારભાર પ્રશાસકના હાથમાં આવી ગયો છે. તેથી સામાન્ય સભાથી લઈને તમામ સમિતિનો અધિકાર પ્રશાસક પાસે રહેશે.
આ સમાચાર પણ વાંચો : જેલમાં બંધ નવાબ મલિકને કોઈ રાહત નહીં, મુંબઈની વિશેષ કોર્ટે આટલા દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાં; જાણો વિગતે
મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં આવેલી મેયર ઓફિસ તેમ જ વિરોધપક્ષ નેતાથી લઈને તમામ સમિતિના અધ્યક્ષની ઓફિસોને તાળા લાગી જશે. મેયર કિશોરી પેડણેકરને મહાનગરપાલિકાનું મેયર માટેનું નિવાસસ્થાન છોડવું પડશે.
આ દરમિયાન સોમવારની સ્થાયી સમિતિમાં લગભગ ૧૦૦ જેટલા પ્રસ્તાવ રાખી મૂકવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવ પર પણ હવે પ્રશાસક નિર્ણય લેશે. એ સિવાય અન્ય સમિતિ સહિત સામાન્ય સભામાં મંજૂર નહી થયેલા પ્રસ્તાવ પર પણ પ્રશાસક નિર્ણય લેશે.
નગરસેવકોની મુદત પૂરી થઈ ગઈ હોવાથી સામાન્ય નાગરિકોને કોઈ પણ સમસ્યા હોય તો માટે મુંબઈના દરેક વોર્ડ માટે હૅલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. મુંબઈમાં નગરસેવક સરેરાશ ૪૦,૦૦૦ મતદારોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક વોર્ડમાં પાલિકાએ સ્વતંત્ર ટેલિફોન નંબર જાહેર કર્યો છે. તેના પર નાગરિકો આરોગ્ય, સ્વચ્છતા, પાણી, ઘનકચરા, નાના નાળાના સમારકામ જેવી સમસ્યાઓ માટે સંપર્ક કરી શકશે.