News Continuous Bureau | Mumbai
ચોમાસાની સાથે જ અનેક બીમારીઓ પણ માથું ઉંચકતી હોય છે. મુંબઈમાં સતત વરસાદ અને બદલાતા વાતાવરણને કારણે અનેક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં શરદી, તાવ અને મેલેરિયા જેવા રોગોની સાથે સ્વાઈન ફ્લૂનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે મુંબઈમાં ઈન્ફલ્યુએન્ઝા H1N1 થી સંક્રમિત ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે.
આરોગ્ય ખાતાના કહેવા મુજબ શહેરમાં ફરી ચેપી રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી, કોવિડ-19 માટે જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેઓનું H1N1 માટે પરીક્ષણ કરવું જોઈએ.
જુલાઈમાં અત્યાર સુધી ઈન્ફલ્યુએન્ઝા H1N1ના 11 કેસ નોંધાયા છે. જૂનમાં માત્ર બે દર્દીઓ નોંધાયા હતા. ડોકટરોના કહેવા મુજબ ઓપીડીમાં આવતા દર્દીઓમાંથી દરરોજ ઓછામાં ઓછા બે થી ત્રણ દર્દીઓ સ્વાઈન ફ્લૂથી સંક્રમિત થયેલા જણાઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય મૂળના ઋષિ સુનક રચશે ઈતિહાસ- બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ- ફાઇનલ રાઉન્ડમાં મળ્યા આટલા મત
કોરોનાની જેમ H1N1 પણ શ્વાસ સંબંધી રોગ છે. સ્વાઈન ફ્લૂને પણ કોરોનાની જેમ 2019માં વૈશ્વિક મહામારી તરીકે જોવામાં આવી હતી. પરંતુ સમય જતાં તેનો વ્યાપ ઘટતો ગયો હતો.
ગયા અઠવાડિયે રાજ્યમાં H1N1ને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. 10 જુલાઈના રોજ પાલઘરના તલાસરીમાં 9 વર્ષની બાળકીનું સ્વાઈન ફ્લૂથી મોત થયું હતું. શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં H1N1 નો એક પણ કેસ નોંધાયો નથી. અગાઉ, 2020 માં 44 અને 2021 માં 64 દર્દીઓ નોંધાયા હતા.
ડોકટરોના કહેવા મુજબ કોવિડ 19 અને સ્વાઈન ફ્લૂના લક્ષણો સમાન છે. આ લક્ષણો ઓવરલેપ થાય છે, તેથી સ્વાઈન ફ્લૂ અને કોવિડ-19 વચ્ચે તફાવત કરવો થોડો મુશ્કેલ બની શકે છે. સ્વાઈન ફ્લૂમાં નાક વહેવું અને શરદી જેવા લક્ષણો જોવા મળે છે. કોવિડ 19 માં, તાવ, સ્વાદ અને ગંધ ગુમાવવા જેવા લક્ષણો જોવા મળે છે. બંને રોગો માટે સારવારની પદ્ધતિઓ અલગ-અલગ હોવાથી, શરૂઆતમાં ચોક્કસ રોગની ઓળખ કરવી જરૂરી છે. બંને રોગો માટે પરીક્ષણ કરવું જરૂરી છે. બંને રોગોથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. ઉપરાંત, સ્વાઈન ફ્લૂ માટે હાથ સાફ રાખવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.