ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
મુંબઈના અનેક વિસ્તારોમાં સવારથી વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ પરાંઓમાં બોરીવલીથી લઈને કાંદિવલી સહિતના વિસ્તારમાં સવારના 9.30 વાગ્યાથી જ મુશળધાર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું, તો મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી વાદળો ઘેરાયેલાં જોવા મળ્યાં હતાં. સવારના 10 વાગ્યા બાદ મુંબઈના મોટા ભાગના વિસ્તારમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું.
ભારતીય હવામાન ખાતાએ મુંબઈ સહિત કોંકણમાં 10 જૂનથી પાંચ દિવસ અતિવૃષ્ટિની આગાહી કરી છે. એ અગાઉ જોકે વરસાદ પોતાનો પરચો બતાવી રહ્યો હોય એમ સવારથી વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ મુંબઈમાં 25.39 મિલીમીટર, પૂર્વ ઉપનગરમાં 6.57 અને પશ્ચિમ ઉપનગરમાં 13.77 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાનું ડિઝાસ્ટર મૅનેજમેન્ટે જણાવ્યું હતું.
હાલ નૈર્ઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં પુણે, અલીબાગથી આગળ વધી રહ્યું છે અને સત્તાવાર રીતે મુંબઈમાં 11 જૂન સુધી ચોમાસું બેસી જવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન ખાતાએ મુંબઈ સહિત કોંકણ પરિસરમાં પાંચ દિવસ ભારે અતિવૃષ્ટિની આગાહી કરી છે તેમ જ મુંબઈ, થાણે, પાલઘર માટે 11 જૂનના યેલો એલર્ટ પણ જાહેર કર્યું છે. રાયગઢ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હાલ હવામાન ખાતું ઍક્ટિવિટી પર નજર રાખી રહ્યું છે, એ મુજબ ચેતવણીમાં ફેરફારની શક્યતા હોવાનું હવામાન ખાતાના અધિકારી શુભાંગી ભુતેએ જણાવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટિ માટે બંગાળના ઉપસાગર અને એના આજુબાજુના વિસ્તાર પર 11 જૂન સુધીમાં તૈયાર થનારા લો પ્રેશરને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.