ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ઑગસ્ટ મહિનાથી લાપતા છે. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજેન્સી (NIA)એ તેમને તપાસ માટે હાજર થવા ઑગસ્ટ મહિનામાં સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ NIA સમક્ષ હાજર થયા નથી. તેઓ પોતાના ચંડીગઢ અને રોહતકના ઘરે પણ નથી. એથી ધરપકડ થવાના ડરે તેઓ વિદેશ ભાગી છૂટ્યા હોવાની શંકા NIAને જ નહીં, પણ મહારાષ્ટ્ર સરકારને પણ છે.
NIAએ તેમને એન્ટેલિયામાં મળી આવેલા વિસ્ફટો તથા મનસુખ હિરણ હત્યાકેસમાં પૂછતાછ કરવા માટે ઑગસ્ટ મહિનામાં સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ ક્યાં છે એની કોઈ ભાળ નથી. આ અગાઉ NIAએ એપ્રિલમાં પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સચિન વાઝે પ્રકરણમાં એપ્રિલ મહિનામાં તેમનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. આ કેસ જ્યારે બન્યો ત્યારે સચિન વાઝે સીધો પરમબીર સિંહને રિપૉર્ટિગ કરતો હતો.
હાલમાં NIAએ ચાર્જશીટ ફાઈલ કરી છે, જેમાં સાક્ષીઓનાં બયાન તેમ જ પુરાવાને જોતાં પૂરા ષડ્યંત્રમાં પરમબીર સિંહ પણ સંકળાયેલા હોવાનું જણાય છે. એપ્રિલમાં તેમનું સ્ટેટમેન્ટ નોંધ્યા બાદ ઑગસ્ટમાં તેમને ફરી સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ તેના પર કોઈ જવાબ આપ્યો નથી. ચંડીગઢ અને રોહતક બંને જગ્યાએ આવેલા તેમના ઘરમાં પણ તેમની તપાસ કરી આવ્યા બાદ તેઓ હાથે ચઢ્યા નથી. એથી NIAને તેઓ તપાસ અને ધરપકડથી બચવા વિદેશ ભાગી છૂટ્યા હોવાની શંકા છે.
પરમબીર પાંચ મેથી રજા પર ઊતરી ગયા છે. એથી મહારાષ્ટ્ર સરકારના ગૃહ ખાતા દ્વારા પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી. મુંબઈ, થાણેમાં તેમની સામે પાંચ FIR નોંધાઈ છે. એમાંથી 3 કેસમાં CID અને એક કેસમાં મુંબઈ પોલીસ તો એક કેસમાં થાણે પોલીસ તપાસ કરી રહી છે. રાજયની CID તથા થાણે પોલીસે તેમની સામે લુકઆઉટ નોટિસ પણ બહાર પાડી છે.