ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
દેશના આર્થિક પાટનગરમાં દિવસે ને દિવસે ઊંચી ઇમારતોમાં રહેવાનું જોખમી બની રહ્યું છે. એક તરફ હાઈરાઇઝ બિલ્ડિંગોની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ આગ જેવી દુર્ઘટનાઓનું પ્રમાણ પણ વધી ગયું છે.
ઍક્ટિવિસ્ટ શકીલ અહમદ શેખે રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ (RTI) હેઠળ મેળવેલી માહિતી મુજબ મુંબઈમાં 2008થી 2018 સુધીનાં ૧૦ વર્ષમાં આગના ૪૮,૪૩૪ બનાવ બન્યા હતા. એમાંથી હાઈરાઇઝ બિલ્ડિંગોમાં આગના ૧,૫૬૮ બનાવ તો રેસિડેન્શિયલ ઇમારતોમાં ૮,૭૩૭ જેટલા આગના બનાવ બન્યા હતા. જયારે ૩,૮૩૩ કૉમર્શિયલ ઇમારતમાં આગ લાગી હતી. ઝૂંપડપટ્ટીમાં ૩,૧૫૧ આગના બનાવ બન્યા હતા, જ્યારે ૨૦૨૦ની સાલમાં આગના કુલ ૩,૮૪૧ બનાવ બન્યા હતા. એમાંથી ૧૦૦ જણનાં આગની દુર્ઘટનામાં મોત થયાં હતાં, તો ૨૯૮ લોકો જખમી થયા હતા.
મુંબઈ મહાનગર પાલિકાનું લેટ લતીફ પગલું : હવે આ લોકોની વિરુદ્ધમાં એફઆઇઆર નોંધી.
આગની દુર્ઘટનામાં સૌથી વધુ આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હતી. શૉર્ટ સર્કિટને કારણે ૩૨,૧૫૬ આગ લાગી હતી. ૧,૧૧૬ આગ ગૅસ-સિલિન્ડરમાં થયેલા લીકેજને કારણે લાગી હતી, તો અન્ય કારણથી ૧૧,૮૮૯ જેટલા આગના બનાવ બન્યા હતા.
10 વર્ષમાં આગે કુલ ૬૦૯ લોકોનો ભોગ લીધો હતો, જેમાં 212 પુરુષ અને 368 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે આગે ૨૯ બાળકોનો ભોગ લીધો હતો. આગને કારણે 10 વર્ષમાં ૮૯,૦૪,૮૬,૧૦૨ રૂપિયાની માલમતાને નુકસાન થયું હતું.