ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે ૨૦૨૧
સોમવાર
દેશમાં અને ખાસ કરીને મુંબઈમાં કચરાનું વ્યવસ્થાપન એક ખૂબ જ મોટી સમસ્યા છે. ઠેકઠેકાણે કચરા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરાના પર્વતો બની ગયા છે અને હવે એનો નિકાલ કરવો પાલિકા માટે એક ખૂબ જ મોટી સમસ્યા બની ચૂકી છે. એવામાં બોરીવલીમાં એક બહેન એવાં છે જે કચરામાંથી ખાતર બનાવવા લોકોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે.
આ વાત છે ભાગ્યશ્રી ચેમબુરકરની, જે અત્યાર સુધીમાં આશરે ૫૦૦ લોકોને ઘરે જ કચરાનું વ્યવસ્થાપન કરી એમાંથી ખાતર બનાવતાં શીખવી ચૂક્યાં છે. છેલ્લાં ચાર વર્ષથી તેઓ આ ઉપક્રમ ચલાવે છે. ઘરે જ કચરાના નિયોજન માટે કમ્પોસ્ટ કિટની જરૂર પડે છે જેની કિંમત માત્ર ૬૦૦ રૂપિયા છે અને તે ખૂબ લાંબો વખત ચાલે છે.
ખાતર બનાવવા માટે બિનપ્રોસેસ્ડ કચરો જેમ કે ફળ-શાકભાજી, ફૂલ-હાર અને ચાની ભૂકી વગેરેને કમ્પોસ્ટ બૉક્સમાં નાખવામાં આવે છે અને ત્યાર બાદ એકથી દોઢ મહિના સુધીમાં ખાતર બને છે. એક વિશેષ વાત છે કે આ દરમિયાન પણ તમે આ બૉક્સમાં સતત કચરો નાખી શકો છો. આશરે એક કિલો કચરામાંથી ૭૦ ગ્રામ જેટલું ખાતર બને છે. જેનો ઉપયોગ ઘરમાં ઉપલબ્ધ છોડમાં નાખી શકાય છે.
સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત તળાવોમાં ભરાશે અબજો લિટર પાણી; જાણો વિગત…
આ સંદર્ભે વધુ વાત કરતાં ભાગ્યશ્રીબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મારા મતે દરેક વ્યક્તિએ કમ્પોસ્ટિંગ કરવું જ જોઈએ અને આપણી ધરતીમાતાને કચરાના બોજથી મુક્ત કરવી જોઈએ.” આપણે વિદેશમાં સફાઈનાં ખૂબ ગુણગાન ગાતાં હોઈએ છીએ, પરંતુ ત્યાંના લોકો જાતે જ સફાઈ રાખે છે એ આપણે પણ શીખવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે ભાગ્યશ્રીબહેન માત્ર મુંબઈમાં જ નહિ, પરંતુ આખા દેશમાં લોકોને આ વિષે જાગ્રત કરવા મથી રહ્યાં છે. તેઓ અનેક જગ્યાએ આ વિશે લૅક્ચર આપવા પણ જાય છે. જો આપ પણ ઘરે જ કમ્પોસ્ટિંગ કરવા ઇચ્છતાં હોવ તો તેમને ૯૮૭૦૦૩૫૧૮૯ પર સંપર્ક કરી શકો છો.