ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
મુંબઈમાં 30થી 40 વર્ષના એજ ગ્રુપના નાગરિકોને વેકિસન આપવા માટે ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. સરકારના ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશનના આ નિર્ણયથી વેક્સિનેશન ઝડપી થશે કે નહીં એની ખબર નથી, પંરતુ એને પગલે વેક્સિનેશન સેન્ટરમાં ભારે ભીડ થઈ રહી છે. જે કોરોના ફેલાવવા માટે કારણભૂત બની શકે છે. એટલું જ નહીં, પણ વેક્સિનનો સ્ટૉક ઓછો હોવાથી મોટા ભાગના લોકોને વેક્સિન લીધા વગર પાછા ફરવું પડી રહ્યું છે.
કોવિન-ઍપ પર રજિસ્ટ્રેશનમાં અનેક અડચણો આવી રહી છે, પરંતુ એમાં પહેલાંથી ઍપૉઇન્ટમેન્ટ લીધી હોવાથી સેન્ટર પર ભીડ ઓછી રહેતી હોય છે. હવે મુંબઈ પાલિકાએ પણ મુંબઈમાં 3 દિવસ ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશન એટલે કે સીધા સેન્ટર પર આવીને રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લેવાની સગવડ ચાલુ કરી છે. જોકે હાલ અનેક સેન્ટર પર 30થી 40 વર્ષના લોકોની સાથે જ 18થી 44 વર્ષના લોકોને પણ વેક્સિન આપવાની ઝુંબેશ ચાલી રહી છે. આ બંને એજ ગ્રુપના માટેની ઝુંબેશને કારણે સેન્ટરો પર ભારે ગરબડ જોવા મળી રહી છે. એને કારણે વેક્સિનેશન સેન્ટર પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ ઊમટી રહી છે. જેને હૅન્ડલ કરવું સ્ટાફને ભારે પડી રહ્યું છે. વેક્સિન ઓછી હોવાથી અનેક લોકોને વીલા મોઢે પાછા ફરવાની પણ નોબત આવી રહી છે.