ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ 2021
શનિવાર
મુંબઈના રહેવાસીઓ જો મતદારયાદીમાં તમારો ફોટો નહીં હોય તો તમારું નામ મતદારયાદીમાંથી રદ થઈ શકે છે. અત્યાર સુધી મુંબઈ સિટી ડિસ્ટ્રિક્ટ ઇલેકશન ઑફિસે ફોટો ન હોય એવા 1,18,000 મતદારોનું પંચનામું કર્યું છે. તેઓને 8 જુલાઈ, 2021 પહેલાં પોતના ફોટો રજૂ કરવાનો રહેશે. અન્યથા તેમનાં નામ મતદારયાદીમાંથી રદ કરી નાખવામાં આવશે, એવી જાહેરાત મુંબઈ સિટી કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઑફિસરે કરી છે.
ભારતમાં મતદારયાદીમાં ફોટોનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મુજબ મુંબઈ સિટીમાં મતદારયાદીમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. તેમ જ અચૂક મતદારયાદી કરવા માટે 1 જાન્યુઆરી, 2021 સુધી પાત્રતા ધરાવતા લોકોના ઘરની મુલાકાત લેવામાં આવી હતી. મુંબઈમાં વખતોવખત મતદારોના ફોટોગ્રાફ લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છતાં અનેક મતવિસ્તારની યાદીમાં મતદારનો ફોટો નથી. તેથી મતદારને તેમના ફોટો તુરંત તેમના વિસ્તારમાં રહેલી મતદાન ઑફિસમાં રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. ફોટોગ્રાફ વગરના લોકોની યાદી તેમના મતદાન કેન્દ્ર અને મુંબઈ સિટી કલેક્ટરની ઑફિસની www.nic.in પર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.