ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મુંબઈમાં હજી પણ સામાન્ય નાગરિકોને કોવિડની વેક્સિનનો પહેલો ડોઝ નથી મળ્યો. વેકિસન માટે હજી પણ લોકો લાંબી કતારોમાં ઊભા રહેતા હોય છે. વેક્સિન મેળવવા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. એવામાં મુંબઈના અનેક રાજકારણીઓએ કોવિડની વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે બુસ્ટર ડોઝ લઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે. તેમની સાથે અનેક આરોગ્ય કર્મચારીઓએ પણ બુસ્ટર ડોઝ લીધા છે.
પશ્ચિમના અનેક દેશોમાં બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. ભારતમાં જોકે કેન્દ્ર સરકારે હજી સુધી સત્તાવાર રીતે બુસ્ટર ડોઝ ફરજિયાત હોવા બાબતે કોઈ ફોડ પાડ્યો નથી.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ કોવિન ઍપ પર નોંધણી વિના બુસ્ટરનો ડોઝ લેવામાં આવ્યો છે. આ લોકો બુસ્ટર ડોઝ લેતાં પહેલાં ઍન્ટી-બૉડીઝ લેવલનું પરીક્ષણ કરાવે છે. વેક્સિન લેનારામાં અનેક ડૉક્ટરોનો સમાવેશ થાય છે. જેમણે ફેબ્રુઆરી સુધીમાં પોતાના બંને ડોઝ પૂરા કરી લીધા હતા. તેમના શરીરમાં ઍન્ટી-બૉડીઝનું પ્રમાણ ઘટેલું જોવા મળ્યું હતું.
આરોગ્ય કર્મચારીઓએ બુસ્ટર ડોઝ લીધો છે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ જ્યારે મુંબઈમાં હજી સુધી સામાન્ય નાગરિકોને પહેલો ડોઝ મળ્યો નથી, એવામાં રાજકારણીઓ અને તેમના પરિવાર તથા સ્ટાફ બુસ્ટર ડોઝ લેવા દોડી રહ્યા હોવાથી મુંબઈગરામાં નારાજગી જોવા મળી રહી છે.