ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જુલાઈ 2021
શુક્રવાર
કોરોનાને પગલે મહારાષ્ટ્ર સરકારે સામાન્ય નાગરિકોને મુંબઈમાં લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપી નથી. છતાં નોકરીધંધા પર પહોંચવા લોકો બોગસ આઇ-કાર્ડ વાપરીને પ્રવાસ કરી રહ્યા છે. એને રોકવા માટે સરકારે હવે QR-કોડ (ક્વિક રિસ્પૉન્સ કોડ) ધરાવતો યુનિવર્સલ ટ્રાવેલ પાસ આપવાની જાહેરાત કરી છે. તબક્કાવાર લોકોને QR કોડ આધારિત પાસ આપવામાં આવવાનો છે. એ માટે ક્યાં અને કઈ રીતે એપ્લાય કરવી એની વિગત પણ બહાર પાડવામાં આવી છે.
મુંબઈ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને રેલવે પ્રશાસન સંયુક્ત રીતે મળીને QR કોડવાળા યુનિવર્સલ ટ્રાવેલ પાસ માટે પાંચ તબક્કામાં કામ કરી રહી છે. આ યુનિવર્સલ પાસને આધારે મુંબઈ અને આજુબાજુના પરિસરમાં રહેતા લોકો લોકલ ટ્રેન, મુંબઈ મેટ્રો અને મોનોરેલમાં પ્રવાસ કરી શકશે.
કોરોનાના ચેપને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે હાલ ફક્ત અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે. હવે અત્યાવાશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને QR કોડ આધારિત યુનિવર્સલ પાસ આપીને પિક અવર્સમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પર નિયંત્રણ રાખવાની સરકારની યોજના છે.
QR કોડ આધારિત યુનિવર્સલ પાસ માટે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍન્ડ રિલીફ ફન્ડ રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટ ઑફ મહારાષ્ટ્રની વેબસાઇટ msdmacov19.mahait.org. પર જવાનું રહેશે.
હોમ પેજ પર જઈને યુનિવર્સલ ટ્રાવેલ પાસ પર ક્લિક કરવાનું રહેશે. સંબધિત વ્યક્તિ કઈ સંસ્થા સાથે કામ કરે છે એની માહિતી રજિસ્ટર કરવાની રહેશે. એમાં સંસ્થાનું ઍડ્રેસ, રજિસ્ટ્રેશન નંબર, કૉ-ઑર્ડિનેટરનો કૉન્ટૅકટ નંબર, કેટલા સ્ટાફને પાસ જોઈએ છે એની માહિતી અપલોડ કરવાની રહેશે. વેબસાઇટમાં ફીડ કરવામાં આવેલી માહિતી સંબંધિત ઑથૉરિટી ચેક કરશે. તેમની મંજૂરી મળ્યા બાદ જ વેબસાઇટ પર લોગ-ઇન કરીને સ્ટાફની માહિતી અપલોડ કરી શકાશે. નામ, મોબાઇલ નંબર, જેન્ડર, ઉંમર, કયા ડિપાર્ટમેન્ટમાં છે જેવી માહિતી પણ એમાં અપલોડ કરવાની રહેશે. તમામ માહિતી અપલોડ કર્યા બાદ મોબાઇલ નંબર પર SMS આવશે. ત્યાર બાદ સંબંધિત વ્યક્તિ પોતાના મોલાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગ-ઇન કરીને પોતાનો ફોટો અપલોડ કરશે અને ટ્રાવેલ પાસ ડાઉનલોડ કરી શકશે.
મુંબઈ શહેરમાં 15 દિવસમાં બીજી વાર સરકારી અને પાલિકાના રસીકરણ કેન્દ્ર આ કારણે બંધ રહેશે ; જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા રોકવા યુનિવર્સલ પાસની યોજના લાવી રહ્યું છે, તો બીજી તરફ મહારાષ્ટ્રના આરોગ્ય ખાતાના પ્રધાન રાજેશ ટોપેએ કેન્દ્ર સરકાર તરફથી દર મહિને ત્રણ કરોડ વેક્સિનનો ડોઝ મળે તો લોકલ ટ્રેન ચાલુ કરવા બાબતે વિચાર કરી શકાય એવું કહ્યું હતું. વેક્સિનેશન ઝડપી બનશે તો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે છૂટ આપી શકાશે એવું કહેતાં વેક્સિનના બંને ડોઝ લેનારા લોકો તેમને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવાની માગણી કરી રહ્યા છે.