ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાના નવા કેસનો ગ્રાફ સતત ઉપર-નીચે થઈ રહ્યો છે. એથી હોમ ક્વોર્ન્ટાઇન રહેલા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલ મુંબઈમાં 71,361 લોકો હોમ ક્વોર્ન્ટાઇન છે. એમાં અસરગ્રસ્ત, પણ લક્ષણો નહીં ધરાવતા એમ શંકાસ્પદ દર્દીઓનો સમાવેશ થાય છે.
કોરોનાની બીજી લહેરમાં એપ્રિલ મહિનામાં સક્રિય દર્દીની સંખ્યા 92,000 પર પહોંચી ગઈ હતી. એને પગલે હૉસ્પિટલમાં પલંગની સંખ્યા પણ ઘટી ગઈ હતી. 31 માર્ચ સુધી 4,87,000 નાગરિકો હોમ ક્વોર્ન્ટાઇન હતા. તો 10 એપ્રિલના આ સંખ્યા 6,27,000 પર પહોંચી ગઈ હતી. જોકે ફરી લૉકડાઉન અને વેક્સિનેશન ઝડપી બનતાં કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો.
ઑગસ્ટ મહિનામાં હોમ ક્વોર્ન્ટાઇન લોકોની સંખ્યા 40,000 પર આવી ગઈ હતી. હાલ દરરોજ કોરોનાના નવા કેસ 350થી 500ની આસપાસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી મુંબઈમાં 81,96,201 લોકોએ હોમ ક્વોર્ન્ટાઇનનો સમયગાળો પૂરો કર્યો છે. હાલ 538 શંકાસ્પદ દર્દીઓને ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોર્ન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે, તો 1,57,168 દર્દીઓએ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોર્ન્ટાઇન સેન્ટરમાં પોતાનો ક્વોર્ન્ટાઇન સમય પૂરો કર્યો છે.