ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
દેશભરમાં ફટાકડા ફોડવા પર અંકુશ લગાવવાનો આદેશ આ સપ્તાહની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. તેમ છતાં ગુરુવારે દિવાળીના દિવસે શહેર ફટાકડાના અવાજથી ગાજી ઉઠયું હતું. વરલી, ભાયખલા, પરેલ, અંધેરી, મલાડ, બોરીવલી, ચેમ્બુર અને નવી મુંબઈ, થાણેના રહેવાસીઓએ રાત્રે 10 વાગ્યા પછી પણ મોટા અવાજવાળા ફટાકડા સતત ફોડયા હતા.
આ દિવાળીમાં ફટાકડા ફોડવાનું પ્રમાણ વર્ષ2020 કરતા ચોક્કસપણે વધારે હતું. કારણ કે ગયા વર્ષે લોકડાઉનને કારણે લોકો દિવાળી મનાવી શક્યા ન હતા. જોકે એક સામાજિક કાર્યકર્તાએ ગુરુવારે ફટાકડાથી થતા પ્રદૂષણને માપવા માટે શહેરની આસપાસ ગયા હતા તેમણે એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે ધ્વનિ માપન કોવિડ પહેલાના સમય કરતાં ઘણું ઓછું હતું. ગુરુવારે કાર્યકર્તાએ રાત્રે બાંદ્રા અને મરીન ડ્રાઇવમાં નજીવો અવાજ માપ્યો હતો. અમુક સ્થળ પર પોલીસની હાજરીએ ફટાકડા ફોડનારા લોકોને રોક્યા હતા.
ઉપરાંત કાર્યકર્તાએ શિવાજી પાર્ક ખાતે 100 ડેસિબલનું સ્તર માપ્યું જે 120 ડેસિબલના પૂર્વ-કોવિડ માપ કરતાં ઘણું ઓછું છે. અંધેરીની હવા ધુમ્મસ સાથે ગાઢ હતી કારણ કે રહેવાસીઓને દોઢ વર્ષ ઘરની અંદર આરામ કર્યા પછી ઉજવણીનો અવસર મળ્યો હતો. ઓશિવરાના એક રહેવાસીએ જણાવ્યું હતું કે "અમે હોળી અને દિવાળી જેવા તહેવારો સહિત કોઈપણ આઉટડોર પ્રવૃત્તિનો આનંદ માણી શક્યા ન હતા. હવે જ્યારે અમે રસીના બંને શોટ લીધા છે અને લોકડાઉન હળવું થઈ ગયું છે ત્યારે જીવન સામાન્ય અનુભવ કરવાનો સમય આવી ગયો છે."
થાણેમાં પણ ગયા વર્ષની સરખામણીમાં ફટાકડા ફોડવાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. થાણેના કોપરી ખાતેના મુખ્ય ફટાકડા બજારના એક વેપારીએ જણાવ્યું હતું કે દિવાળીમાં વર્ષ 2020 કરતાં વધુ વેચાણ હતું. "આ વર્ષે મૂડ સકારાત્મક છે. રહેવાસીઓ ઉજવણી કરવા માટે કોઈ કસર છોડતા ન હોય તેવું લાગે છે. જોકે કોવિડ પહેલાની સ્થિતિની સરખામણીમાં આ વર્ષે ફટાકડાનું વેચાણ માત્ર 30% હતું.
ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકોને ફટાકડાને બદલે દીવા પ્રગટાવવાની સલાહ આપી હતી. જેથી કોવિડના દર્દીઓને ત્રાસ ન થાય. સર્વોચ્ચ અદાલતે પણ ગ્રીનના ફટાકડાના ઉપયોગને સમર્થન આપ્યું હતું.