ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણના ખતરાને જોતાં સતત બીજા વર્ષે પણ બાંદ્રાનો લોકપ્રિય માઉન્ટ મેરી મેળો રદ કરવામાં આવ્યો છે.

મધર મેરીના જન્મદિનની ઉજવણીના ભાગ રૂપે દર વર્ષે સપ્ટેમ્બરમાં આ મેળો યોજાય છે અને સપ્તાહ સુધી ચાલતા મેળામાં તમામ સંપ્રદાયના લોકો ભાગ લે છે. મંગળવાર એટલે કે 8 સપ્ટેમ્બરના ઘણા ભક્તો વાર્ષિક તહેવાર પહેલાં પ્રાર્થના કરવા માટે માઉન્ટ મેરી બેસિલિકા પર ઊમટી પડ્યા હતા. કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. માઉન્ટ મેરી બેસિલિકા છેક ઈસ 1570ની છે, જ્યારે ખ્રિસ્તીઓ પ્રથમ વાર અહીં પ્રાર્થના કરવા આવ્યા હતા.

અહીંનું હાલનું ચર્ચ 1904માં બંધાયું હતું. બાન્દ્રાનો આ મેળો 350 વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે.1669ના જૂના દસ્તાવેજ દર્શાવે છે કે છેક 350 વર્ષ પહેલાં સેંકડો યાત્રીઓ બળદગાડાથી અહીં ઉજવણી કરવા આવતા હતા.

જોકે 1895માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે આ મેળો રદ કરવામાં આવ્યો હતો. એ વર્ષે ગણેશોત્સવ પણ રદ કરાયો હતો.
