ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
મહાવિકાસ આઘાડી સરકારમાં પ્રધાન રહેલા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા છગન ભુજબળ અને તેમના પુત્રો ભૂતપૂર્વ સાંસદ સમીર ભુજબળ અને વિધાનસભ્ય પંકજ ભુજબળની 100 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે જપ્ત કરી છે.
દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવમાં ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે આ કાર્યવાહી કરીને એક બિલ્ડિંગ જપ્ત કર્યું છે. અલ-જબરિયા કોર્ટ નામના આ બિલ્ડિંગને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે બેનામી જાહેર કર્યું છે. છગન ભુજબળ વિરુદ્ધ મની લૉન્ડરિંગનો ગુનો નોંધાયો છે, જે અંતર્ગત બિલ્ડિંગના સોદાની તપાસ ચાલી રહી હતી. તપાસ દરમિયાન જે કંપનીએ આ બિલ્ડિંગ ખરીદ્યું હતું એની પાસે એટલા પૈસા નહોતા કે એ બિલ્ડિંગ ખરીદી શકે. તપાસમાં જણાયું હતું કે અરશદ સિદ્દકીના માધ્યમથી છગન ભુજબળે આ બિલ્ડિંગમાં પૈસા લગાવ્યા હતા.
આ બિલ્ડિંગની વર્તમાન કિંમત 100 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)ને શંકા છે મહારાષ્ટ્ર સદનના કૌભાંડના પૈસા આ બિલ્ડિંગ ખરીદવા માટે વાપરવામાં આવ્યા છે. અરશદ સિદ્દકી અને સમીર ભુજબળે 2013માં કુવૈતનો પ્રવાસ કર્યો હતો. ત્યાંના શાહી પરિવારના સભ્યોની પણ તેમણે મુલાકાત લીધી હતી. આ બિલ્ડિંગના માલિક તેઓ હતા. તેમની સાથે આ બિલ્ડિંગનો સોદો થયો હતો. EDએ આ માહિતી પુરાવા આધારે આપી હતી.
ED મહારાષ્ટ્ર સદનના કૌંભાડની તપાસ કરી રહી છે. EDએ સંબંધિત વિભાગને નોટિસ મોકલી હતી. ત્યાર બાદ બિલ્ડિંગને બેનામી સંપત્તિ જાહેર કરી હતી અને ત્યાર બાદ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે એને જપ્ત કરી હતી.