ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ખાર સબવેની જર્જરિત અવસ્થાથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિક લોકો કંટાળી ગયા છે. 2016માં વેસ્ટર્ન રેલવે અને મુંબઈ મનપાએ સબવેની ઉપર રેલવે ઓવરબ્રિજ બાંધવાને લગતો એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેનાં વર્ષો બાદ પણ ખાર સબવે પર વાહનવ્યહાર માટે રેલવે ઓવરબ્રિજ બાંધવાનાં કોઈ ચિહ્નો જણાતાં નથી.
દિવસે ને દિવસે સબવેની હાલત ખરાબ થઈ રહી છે. પાલિકા અને રેલવે પ્રશાસનને સતત વિનંતી બાદ પણ અહીં રેલવે ઓવર બ્રિજને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. તેથી સ્થાનિક રહેવાસીઓએ હવે આરપારની લડાઈ લડી લેવાનો નિર્ધાર કર્યો છે. ખારમાં અનેક સોસાયટીઓએ ખાર સબેવેની હાલત દર્શાવતાં બૅનર્સ પોતાની સોસાયટીમાં લગાડી દીધાં છે. સોશિયલ મીડિયા પર સ્થાનિક રહેવાસીઓ પ્રશાસન પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
હવે આટલેથી નહીં અટકતાં સ્થાનિક રહેવાસીઓ હવે જરૂર પડી તો કોર્ટમાં જવાની તૈયારી પણ કરી લીધી હોવાનું કહેવાય છે. સ્થાનિક રહેવાસીઓની સાથે હવે મુંબઈ નૉર્થ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ફોરમ અને સાંતાક્રુઝ ઈસ્ટ રેસિડન્ટ્સ ઍસોસિયેશન પણ જોડાયું છે. ખાર સબવેને લઈને સંયુક્ત રીતે તેઓએ હવે પ્રશાસન સામે લડત લડવા હાથ મિલાવી લીધા છે.
સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ પ્રશાસને સબવેનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાની તાતી જરૂર છે. સબવેને પહોળો કરી કે તેનું સમારકામ કરીને હવે કોઈ ફાયદો નથી. તેથી સબવે પર રેલવે ઓવરબ્રિજ બાંધવા માટે સર્વે કરાયો હતો, પરંતુ હજી સુધી પુલ બાંધવાના કોઈ ઠેકાણા નથી. સબવેના સમારકામને બદલે તાત્કાલિક નવો પુલ બાંધવાની જરૂર છે. પ્રશાસન કોઈ નિર્ણય લેતી નથી તો કોર્ટના શરણે જવા સિવાય કોઈ ઉપાય ન હોવાની નારાજગી પણ સ્થાનિક રહેવાસીઓએ વ્યક્ત કરી છે.