News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી નિયંત્રણમા આવવાની સાથે જ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. તેની સૌથી મોટી અસર લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા પર પહોંચી છે. પ્રતિદિન લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા 60 લાખને પાર કરી ગઈ છે. તેથી આગામી દિવસમાં ફરી કોરોના ફેલાવાનું જોખમ વધી જાય એવી ચિંતા સતાવી રહી છે.
કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. જોકે લોકલ ટ્રેનમાં જે રીતે ભીડ ઉમટી રહી છે, તેને કારણે ચિંતા વધી ગઈ છે. કોરોના મહામારી પહેલા જોકે લોકલ ટ્રેનમાં રોજના 80 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. કોરોનાને પગલે આવેલા નિયંત્રણને પગલે આ સંખ્યા ઘટી ગઈ છે. કોવિડના બંને ડોઝ લેનારાને જ લોકલમાં પ્રવાસની છૂટ છે. મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારમાં મોટાભાગના લોકોએ વેક્સિન લઈ લીધી છે. તેથી લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : હાશ, ભરઉનાળે મુંબઈગરા પરથી 15 ટકા પાણી કાપ થયો દૂર.. જાણો વિગતે
મળેલ આંકડા મુજબ ફેબ્રુઆરીમાં સેન્ટ્રલ રેલવેમાં સરેરાશ 30.84 લાખ પ્રવાસીઓ હતા. આ આંકડો 16 માર્ચ સુધીમાં 35.89 લાખ પર પહોંચી ગયો છે. વેસ્ટર્ન રેલવેમાં આ સંખ્યા 24.78 લાખ પ્રતિદિન હતી, તે હવે 16 માર્ચ સુધીમાં 27.14 પર પહોંચી ગઈ છે.
માર્ચ 2020માં એટલે કે કોરોના મહામારી બાદ સરકારે લગાવેલા પ્રતિબંધોને પગલે મુંબઈની લોકલમાં પ્રવાસ કરનારા દૈનિક પ્રવાસીઓની સંખ્યા 10-15 લાખથી ઘટી ગઈ છે. જોકે ધીમે ધીમે આ સંખ્યામાં થઈ રહેલા વધારો આગામી દિવસમાં ફરી ચિંતા ઉપજાવે એમ છે.