ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
મુંબઈ શહેરમાં લોકડાઉન ક્યારે લાગશે? શું લોકડાઉન થશે? હવે શું થશે? આ તમામ અટકળો પર હાલ પૂર્ણ વિરામ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે મોડી રાત્રે હુકમ જાહેર કરીને અનેક પ્રતિબંધો લાદ્યા છે. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ પણ વિશેષ પગલા લીધા છે. આ બંને પગલા પરથી એવું લાગી રહ્યું છે કે જો સરકારે લોકડાઉન લગાવવું હોત તો આ પગલાં લેવાની કોઈ જરૂર નહોતી. આ તમામ પગલાઓ ૩૧મી માર્ચ સુધી લાગુ રહેશે. આનો અર્થ એમ થાય છે કે આડકતરી રીતે 31 માર્ચ સુધી લોકડાઉન નહિ લાગે.
સરકારે જે નવા પગલા લીધા છે તે મુજબ હવે રેસ્ટોરન્ટ અને હોટલ ૫૦ ટકા હાજરી સાથે ચાલી શકશે.
આ ઉપરાંત લગ્ન સમારંભમાં માત્ર 50 લોકો આવી શકશે તેમ જ અંતિમ સંસ્કાર દરમિયાન ૨૦ લોકોને પરવાનગી રહેશે.
મુંબઈ મહાનગરપાલિકા ના અધિકારીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અમે મુંબઈ ની પરિસ્થિતિ નજીકથી જોઈ રહ્યા છીએ. આથી હાલ લોકડાઉન સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નથી.
આમ મુંબઈ શહેરના માથેથી લોકડાઉન ની ઘાત હમણાં ટળી છે.