ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
મલાડના મેદાનના નામકરણનો વિવાદ ફરી એક વખત ઊભો થાય એવી શકયતા છે. મલાડના મેદાનને ટીપુ સુલતાનનું નામ નહીં પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ આપવાનો પ્રસ્તાવ મુંબઈ મનપાની બજાર અને ઉદ્યાન સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો છે. પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલની મંજૂરી બાદ તેનો અમલ થશે. જોકે આ નવા નામકરણ સામે સમાજવાદી પાર્ટીએ વિરોધ દર્શાવ્યો છે.
મલાડના મેદાનને ટીપુ સુલતાનનું નામ આપવાને લઈને મુંબઈમાં ખાસ્સુ રાજકારણ ગરમાયું હતું. મુંબઈ પાલિકાની સત્તાધારી પાર્ટી શિવસેનાના પી-ઉત્તર વોર્ડના નગરસેવકોએ આ મેદાનને રાણી લક્ષ્મીબાઈનું નામ આપવાની માગણી કરી હતી. ત્યારબાદ આ પ્રસ્તાવ પાલિકાની બજાર અને ઉદ્યાન સમિતિમાં મંજૂર થયો હતો. હવે તે પાલિકા કમિશનરના અભિપ્રાય માટે જશે.
મલાડના કલેકટરની માલિકીના આ પ્લોટનું સુભોભીકરણ સ્થાનિક વિધાનસભ્ય અને મુંબઈના પાલકપ્રધાન અસ્લમ શેખે કરાવ્યું છે. આ ઉદ્યાનને ઘણા વર્ષોથી ટીપુ સુલતાનના નામથી ઓળખવામાં આવે છે અને ઉદ્યાનના પ્રવેશદ્વાર પર પણ ટીપુ સુલતાનનું નામ છે. ટીપુ સુલતાનના નામ સામે ભારે વિરોધ થઈ રહ્યો હતો.
ભાજપે પણ પૂરા વિવાદમાં કૂદકો માર્યો હતો અને ઉદ્યાનના નામને લઈને શિવસેનાના મૌનને લઈને ભારે ટીકા કરી હતી. નામકરણને લઈને થયેલા વિવાદને પગલે મેયર કિશોરી પેડણેકરે આ પ્લોટ પર રહેલા ઉદ્યાનને ઝાંસીની રાણીનું નામ આપવાની શિવસેનાની માગણી હોવાનું કહ્યું હતું.
મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિક બાદ તેના પરિવાર પર સકંજો, EDએ મંત્રીના આ ભાઈને પાઠવ્યુ સમન્સ
પાલિકાના પી-વોર્ડના શિવસેનાના નગરસેવકોએ પણ રાણી લક્ષ્મીબાઈનું નામ આપવાની માગણી પત્ર લખીને કરી હતી. છેવટે લાંબી ચર્ચા બાદ પાલિકાની ઉદ્યાન સમિતિમાં રાણી લક્ષ્મીબાઈન ઉદ્યાન નામ આપવાનો પ્રસ્તાવ મંજૂર થયો હતો.
સમાજવાદી પાર્ટીએ જોકે તેની સામે વિરોધ કરીને કહ્યું હતું કે શિવસેના અને ભાજપ પોતાનું હિંદુત્વ દેખાડવાનો પ્રયાસ કરી રહી છે. એક મહાપુરુષનું નામ હટાવી બીજા મહાપુરુષનું નામ આપવું ખોટું કહેવાય. સમાજવાદીએ પત્ર લખીને આ ઉદ્યાનને બદલે અન્ય કોઈ મોટા સ્થળને રાણી લક્ષ્મીબાઈનું નામ આપવાની માગણી કરી હતી. જોકે કોઈના વિરોધને નહી ગણકારતા આ ઉદ્યાનને રાણીલક્ષ્મીબાઈનું નામ મંજૂર કરવામાં આવ્યું હતું. તેથી આગામી દિવસમાં ઉદ્યાનના નામકરણ પણ વધુ રાજકરણ થવાની શકયતા છે.