ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જૂન 2021
ગુરુવાર
મલાડના માલવણીમાં ચાર માળાની તૂટી પડેલી ઇમારતમાં 11નાં મોત થયાં છે. આ મકાન કલેક્ટરની જમીન પર ઊભું કરવામાં આવ્યું હતું. માલવણી વિસ્તારમાં મોટા ભાગની ઇમારતો તથા મકાનો ગેરકાયદે છે અને એ આડેધડ ઊભાં કરવામાં આવ્યાં છે. મોટા ભાગના બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદે છેલ્લાં અમુક વર્ષોમાં રાજકીય સ્વાર્થ હેઠળ ઊભાં થયેલાં હોવાનું કહેવાય છે.
મુંબઈ શહેરના પાલકપ્રધાન અસ્લમ શેખ અહીંના વિધાનસભ્ય છે. અગાઉ તેઓ નગરસેવક હતા. તેમના કાળમાં જ તેમની રહેમનજર હેઠળ જ માલવણીમાં મોટા ભાગનાં ગેરકાયદે મકાનો કલેક્ટરની, મ્હાડાની તથા પાલિકાની જમીન પર ઊભાં થયાં છે. વખતોવખત તેમના પર રાજકીય પાર્ટીઓ દ્વારા આ મુજબના આરોપ કરવામાં આવ્યો છે. અસ્લમ શેખ તરફથી જોકે આ બાબતે કોઈ જવાબ મળી શક્યો નહોતો.
સ્થાનિક સમાજસેવકો સહિત ભાજપ અહીં મોટા પાયા પર જમીન પર ગેરકાયદે રીતે અતિક્રમણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો કરતા આવ્યા છે. મેનગ્રોવ્ઝની કતલ કરીને એના પર ગેરકાયદે રીતે મકાન ચણી દેવામાં આવ્યાં છે. મોટા ભાગનાં આ બાંધકામ કાચાં હોય છે. એથી વરસાદ બાદ તેને નુકસાન થવાની શક્યતા વધારે હોય છે. પાલિકાની તથા મ્હાડાની તથા કલેક્ટરના તાબા હેઠળ આવતી જમીન પર વર્ષોથી ગેરકાયદે રીતે લોકોએ પોતાનાં ઘર ઊભાં કરી દીધાં છે. જ્યારે પ્રશાસન આ બાંધકામ તોડવા જતી હોય છે ત્યારે તેને સ્થાનિક નેતાઓ દ્વારા કોર્ટમાંથી સ્ટે લાવીને કાર્યવાહીને અટકાવી દેતી હોવાના આરોપ પણ અનેક વખત થયા છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાના પી-નૉર્થ વૉર્ડ દ્વારા ગયા વર્ષે ડેપ્યુટી કલેક્ટરને મલાડના માલવણીમાં કલેક્ટરની જમીન પર પ્લૉટ નંબર 71 પર રહેલાં જોખમી બાંધકામને તોડી પાડવા બાબતે પત્ર પણ લખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે કલેક્ટરની ઑફિસે પાલિકાના આ પત્ર પ્રત્યે દુર્લક્ષ કર્યું હતું. એ પણ સ્થાનિક નેતાના દબાણ હેઠળ એવું માનવામાં આવે છે.
આ દરમિયાન બુધવારે મોડી રાતે થયેલી દુર્ઘટના બાદ ભાજપના નગરસેવક વિનોદ મિશ્રાએ તાત્કાલિક મુંબઈ મહાનગરપાલિકા કમિશરને પત્ર લખીને મલાડ, માલવણીમાં મોટા પાયા પર રહેલાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરીને એને તોડી પાડવાની માગણી કરી હતી.
મુંબઈ પાલિકાએ હાલમાં જ જોખમી મકાનોની યાદી બહાર પાડી હતી, એમાં મલાડમાં લગભગ 25 મકાનો જોખમી છે, એમાંથી લગભગ 18 જેટલાં મકાન તો મલાડ(પશ્ચિમ)માં જ આવેલાં છે.