ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જુલાઈ, 2021
શનિવાર
મીરા-ભાયંદરના શિવસેનાનાં મહિલા વિધાનભ્ય ગીતા જૈનના ભાઈની ખંડણીના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના દાવા કરીને અપક્ષ ચૂંટણી લડીને જીતી જનારાં ગીતા જૈન બાદમાં શિવસેનામાં જોડાયાં હતાં.
ગીતા જૈનનો સગો ભાઈ સંજય પુનમિયા છે અને તે વ્યવસાયે બિલ્ડર છે. તેની સામે અર્બન લૅન્ડ સીલિંગના કૌભાંડના આરોપી બિલ્ડર શ્યામસુંદર અગ્રવાલે 15 કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાનો આરોપ કરતાં ખળભળાટ મચી ગયો હતો.
સગાભાઈની ધરપકડ બાદ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના બણગાં ફૂંકનારાં ગીતા જૈને પૂરા બનાવને રાજકીય કાવતરું ગણાવ્યું હતું. ચૂંટણી સમયે તેઓએ ભ્રષ્ટાચારને સમર્થન નહીં આપે, ભ્રષ્ટાચાર થકી કાળી કમાઈ નહીં કરે એવો દાવો કર્યો હતો. જોકે સગાભાઈની ધરપકડ બાદ તેમની બોલતી બંધ થઈ ગઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે ફરિયાદી શ્યામસુંદર અગ્રવાલે ગુરુવાર રાતના મુંબઈના ભૂતપૂર્વ વિવાદાસ્પદ કમિશનર પરમવીર સિંહ અને સંજય પુનમિયા તથા અન્ય વિરુદ્ધ થાણે કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો નોંધાવ્યો હતો.