ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જુલાઈ 2021
મંગળવાર.
મુંબઈની ભૌગલિક રચનાને કારણે મુંબઈમાં મુશળધાર વરસાદ પડે અને દરિયામાં મોટી ભરતી હોય તો પાણી ભરાઈ જતા હોય છે. પરંતુ મુંબઈમાં બે દિવસ થયેલા ભારે વરસાદ દરમિયાન દરિયામાં ભરતી ન હોવા છતાં મુંબઈના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા હતા. તેમ જ મીઠી નદીમાં પણ પૂર આવ્યા હતા. જે ભવિષ્યમાં મુંબઈ માટે જોખમી બની શકે છે એવો દાવો ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે કર્યો હતો.
ભારે વરસાદને પગલે મુંબઈમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યારે આશિષ શેલારે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે આટલા વર્ષોમાં મુંબઈના ભાંડુપમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કોઈ દિવસ પૂરના પાણી ભરાયા હતા. પરંતુ પહેલી વખત એવું થયું કે અહીં પાણી ભરાયા અને મુંબઈનો પાણી પુરવઠો પણ ખોરવાઈ ગયો. ભારે વરસાદ દરમિયાન દરિયામાં લો ટાઈડ હતી, છતાં મીઠી નદીમાં પૂર આવ્યા હતાં અને બાંદરા, સાયન, કુર્લા જેવા વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. જે ભવિષ્યમાં મુંબઈ માટે જોખમી બની શકે છે.
લો ટાઉડ હોવા છતાં મીઠી નદીમાં આવેલા પૂર એ બાબત મુંબઈ માટે ભવિષ્યમાં વધુ જોખમી બની શકે છે. તેથી તેના પર તાત્કાલિક ચર્ચા કરવા માટે નગરસેવક, વિધાસભ્ય, સંસદસભ્યો, પાલિકાના અધિકારી તથા નિષ્ણાતોની બેઠક બોલાવાની માગણી આશિષ શેલારે મુખ્ય પ્રધાન સમક્ષ કરી હતી.