ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
મોટા પ્રમાણમાં કોવિડ-19 પ્રતિબંધાત્મક વૅક્સિનને લીધે મુંબઈમાં એક મહિનાની અંદર જ કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. મુંબઈ મનપાએ ફેબ્રુઆરી અંત સુધીમાં મુંબઈમાં વૅક્સિનેશન ઝુંબેશ પૂરી કરવા માંગે છે. તે માટે પાલિકાએે મોબાઈલ વૅક્સિનેશન વેનની મદદ લેવાની છે.
જોકે મોબાઈલ વેક્સિનેશન વેનના માધ્યમથી વૅક્સિન લેવા માટે ઓછામાં ઓછા ૫૦થી ૧૦૦ લાભાર્થી હોવા આવશ્યક રહેશે. પાલિકાએ પોતાના 24 વોર્ડમાં બે-બે વૅક્સિનેશન વેન ઉપલબ્ધ કરાવી છે.
મુંબઈ સહિત દેશભરમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી કોવિડ પ્રતિબંધાત્મક વૅક્સિનેશન ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી. મુંબઈમાં ત્યારથી અત્યાર સુધીના સમયગાળામાં વેક્સિનનો પહેલો ડોઝ ૧,૦૫,૭૩,૦૪૪ લાર્ભાથીઓને આપવામાં આવ્યો છે. તો બીજો ડોઝ લેનારા લાભાર્થીઓની સંખ્યા ૯૦,૦૮,૪૦૨ છે.
આરોગ્ય કર્મચારી, ફ્રન્ટલાઈન વર્કર, સિનિયર સિટિઝન સહિત અનેક ગંભીર બીમારી ધરાવતા લાભાર્થીઓને પહેલો અને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જોકે હજુ પણ અનેક લોકો બીજો ડોઝ લેવા આગળ આવ્યા નથી. તેથી આવા લોકો માટે મોબાઈલ વૅક્સિનેશન વેનની મદદ લેવામાં આવશે.
એ સિવાય બહુ જલદી સ્કૂલ, કોલેજના વિસ્તારમાં, દહીહાંડી ઉત્સવ મંડળ, ગણેશોત્સવ મંડળો પણ દ્વારા માંગણી કરવામાં આવશે તો તેમના વિસ્તારમાં મોબાઈલ વેક્સિનેશન વેનની મદદથી કેમ્પનું આયોજન કરવામાં આવશે એવો પાલિકાએ દાવો કર્યો છે.